Surat Family Court News: વિદેશમાં સ્થાયી થવાના સપના બતાવી પત્નીને તરછોડી દેતા NRI પતિઓ માટે સુરતની ફેમિલી કોર્ટે એક લાલબત્તી સમાન ચુકાદો આપ્યો છે. સુરતના વેડરોડ વિસ્તારની યુવતીને જર્મની લઈ જઈ માનસિક ત્રાસ આપી તરછોડી દેનારા પતિ વિરુદ્ધ કોર્ટે સુનાવણી હાથ ધરી પત્નીને માસિક 25,000 રૂપિયાનું ભરણપોષણ ચૂકવવાનો મહત્વનો હુકમ કર્યો છે.
લગ્ન બાદ જર્મનીમાં પતિનું બદલાયું વર્તન
આ કેસની વિગતો મુજબ, વર્ષ 2015માં સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતી અંજલી (નામ બદલેલ છે) ના લગ્ન અડાજણના વતની અને હાલ જર્મનીના બર્લિનમાં સ્થાયી થયેલા આકાશ (નામ બદલેલ છે) સાથે થયા હતા. લગ્ન બાદ પતિ તેને સાસરીમાં મૂકીને વિદેશ જતો રહ્યો હતો, અને ત્યારબાદ વર્ષ 2016માં તે અંજલીને જર્મની લઈ ગયો હતો.
બે વર્ષમાં જ પત્નીને તરછોડી ગયો પતિ
જોકે, ત્યાં ગયા બાદ પતિના વર્તનમાં મોટું પરિવર્તન આવ્યું હતું. આકાશ મોડી રાત સુધી પાર્ટીઓ કરતો અને પત્નીને ઘરખર્ચ માટે પૂરતા નાણાં પણ આપતો નહોતો. પત્ની જ્યારે પોતાના હક માટે અવાજ ઉઠાવતી ત્યારે તેને ભારત મોકલી દેવાની ધમકીઓ આપતો, અને અંતે લગ્નના માત્ર બે વર્ષમાં જ પત્નીને તરછોડી દેવામાં આવી હોવાનો આક્ષેપ છે.
સમાધાનનો ઇનકાર, અને માંગ્યા છૂટાછેડા
આ મામલો કાયદાકીય કચેરીએ પહોંચ્યો હતો. પોતાનો સંસાર બચાવવા માટે અંજલીએ ડિસેમ્બર 2018માં મીડીયેશન સેન્ટરમાં પણ અરજી કરી હતી. આ પ્રક્રિયામાં સાસરિયાઓ હાજર રહ્યા હતા, પરંતુ પતિએ ફોન પર જ છૂટાછેડાની માંગ કરી સમાધાનનો ઇનકાર કરી દીધો હતો. અંતે જૂન-2024 માં આ મામલો સુરત ફેમિલી કોર્ટમાં પહોંચ્યો હતો.
એક પણ વખત કોર્ટમાં હાજર ન રહ્યો પતિ
ભરણપોષણના આ કેસમાં પતિ એક પણ વખત કોર્ટમાં હાજર રહ્યો ન હતો. તેમ છતાં પત્નીના એડવોકેટ અશ્વિન જે. જોગડિયાએ પતિના છેલ્લા દસ વર્ષના ઇન્કમટેક્સ રિટર્નના પેપર્સ, પાસપોર્ટની વિગતો અને પતિએ જર્મનીમાં કરેલા છૂટાછેડાના કેસની નોટિસ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી, જેના આધારે કોર્ટે એક તરફી સુનાવણી હાથ ધરી હતી.
આ પણ વાંચો: સુરત: વરાછા SBI લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા: UP થી 2 આરોપીઓ ઝડપાયા, જુઓ VIDEO
સુરત ફેમિલી કોર્ટનું તારણ અને ચુકાદો
સુરત ફેમિલી કોર્ટેતમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખતા નોંધ્યું કે, સામે પક્ષકાર બર્લિન જેવા મોંઘા શહેરમાં રહે છે અને ભારતીય ચલણ મુજબ એક યુરોની કિંમત અંદાજે 110 રૂપિયા થાય છે. આ સંજોગોમાં પતિ માસિક ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરવા સક્ષમ છે તે સ્પષ્ટ જણાય છે. આ તારણના આધારે કોર્ટે પત્નીને દર મહિને 25,000 રૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવાનો ઐતિહાસિક હુકમ કર્યો હતો.
એડવોકેટ જોગડિયાએ જણાવ્યું હતું કે, આ ચુકાદો એવા NRI પતિઓ માટે એક મોટી ચેતવણી સમાન છે જેઓ માને છે કે વિદેશ જઈને પત્નીને નિરાધાર છોડી દેવાથી કે કોર્ટમાં હાજર ન રહેવાથી તેઓ કાયદાની પકડમાંથી બચી જશે. આ કિસ્સામાં સાબિત થયું છે કે જો પત્ની પાસે મજબૂત પુરાવા હોય તો પતિની ગેરહાજરીમાં પણ ન્યાય મેળવી શકાય છે.
