Surat: NEET-UG 2026ની પરીક્ષામાં પાસ કરાવી MBBSમાં એડમિશન અપાવવાના બહાને નિર્દોષ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે છેતરપિંડી કરતી એક મોટી ગેંગનો દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઓપરેશન સુરત શહેર પોલીસની ચોક્કસ બાતમી અને ટેકનિકલ ઇનપુટના આધારે સફળ બન્યું હતું.
સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત અને એડિશનલ સી.પી. (ક્રાઇમ) કરણરાજ વાઘેલા દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.
હકીકતમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, એક વ્યક્તિ દિલ્હીમાં રહીને NEET પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી રહ્યો છે. આ બાતમીના આધારે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહિપાલપુર વિસ્તારની 100 જેટલી હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આખરે હોટલ આનંદ લોક ઇનમાંથી સુરતના વિનોદભાઈ પટેલ સહિતના આરોપીઓ મળી આવ્યા હતા.
જે બાદ ગાઝિયાબાદના ફ્લેટ પર દરોડો પાડીને કુલ 18 વિદ્યાર્થીઓને (જેમાં સગીરો પણ સામેલ હતા) સલામત રીતે છોડાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રશ્નો આપવાના બહાને વાલીઓથી અલગ રાખી ગોંધી રાખવામાં આવ્યા હતા.
આ કેસનો માસ્ટરમાઈન્ડ સંતોષકુમાર જયસ્વાલ (રહે. દિલ્હી) છે, જે NIFT ગ્રેજ્યુએટ અને પેથોલોજી લેબ ધરાવે છે. જ્યારે ડૉ. અખલાક આલમ ઉર્ફે ગોલ્ડન આલમ (રહે. બિહાર), એ કિર્ગીસ્તાનથી MBBS કર્યું છે અને જૂના પ્રશ્નપત્રોના આધારે બોગસ પેપર તૈયાર કરવાનું કામ કરતો હતો.
આ સિવાય સંત પ્રતાપસિંહ (રહે. લખનઉ), લોજિસ્ટિક્સ અને રહેવાની સુવિધા પુરી પાડતો હતો. તેમજ વિનોદ પટેલ (રહે. અમરોલી), સુરતના વાલીઓ અને વિદ્યાર્થીઓને લાલચ આપીને ગેંગ સાથે જોડવાનું કામ કરતો હતો.
આ ગેંગ વાલીઓ પાસેથી MBBSમાં એડમિશનના નામે 20 થી 30 લાખ રૂપિયા માંગતી હતી. વિશ્વાસ જીતવા માટે તેઓ વિદ્યાર્થીઓના અસલી માર્કશીટ, દસ્તાવેજો અને સહી કરેલા બ્લેન્ક ચેક પડાવી લેતા હતા. પરીક્ષાના એક દિવસ પહેલા વિદ્યાર્થીઓને "મહત્વના પ્રશ્નો" આપવાના બહાને કોઈ અજાણી જગ્યાએ લઈ જઈ છેતરપિંડી આચરતા હતા.
હાલ તો પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી નકલી પ્રશ્નપત્રો, સહી કરેલા બ્લેન્ક ચેક સહિત અન્ય વાંધાજનક દસ્તાવેજો કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
