Varachha SBI Robbery: સુરત શહેરના વરાછા વિસ્તારમાં 27 એપ્રિલના રોજ સોમવારે SBI બેંકમાં 7 જેટલા લૂંટારુઓએ બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને ધમકાવીને રૂ. 50 લાખની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આરોપીઓ ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા હતા. સનસનીખેજ લૂંટના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે 2ની અટકાયત કરી
સુરત ક્રાઈમ બ્રાન્ચે CCTV ફુટેજ અને હ્યુમન- ટેક્નિકલ રિસોર્સની મદદથી આરોપીઓને ઝડપી લેવા સઘન કાર્યવાહી હાથ ધરી હતી. સઘન તપાસ અને ઇન્ટેલિજેન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓના નામ:
- શુભમ કુમાર અજીત ઠાકુર
- વિકાસ સિંઘ અરુણ કુમાર સિંઘ
હાલની કાર્યવાહી:
પકડાયેલા બંને આરોપીઓને કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાના હેતુથી આજે ગોંડા કોર્ટ (ઉત્તરપ્રદેશ) માં રજૂ કરવામાં આવશે. અત્યારે ક્રાઈમ બ્રાન્ચ લૂંટના બન્ને આરોપીઓના 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને તેમને સુરત આવવા રવાના થઈ ગઈ હોવાનું માલૂમ પડ્યું છે.
