સુરતના વ્યસ્ત રસ્તાઓ બન્યા સુમસામ, ટેક્સટાઈલ માર્કેટમાં શાંતિ; દિવાળી વેકેશનની અસર

છેલ્લા કેટલાક દિવસોથી રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર જોવા મળતી મુસાફરોની ભારે ભીડ હવે ધીમે ધીમે શાંત થઈ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 12 Nov 2026 06:34 PM (IST)Updated: Thu, 12 Nov 2026 06:34 PM (IST)
surat-empty-roads-textile-market-silent-diwali-vacation-2026-effect

Surat Diwali Vacation: હીરા અને કાપડ ઉદ્યોગ માટે દેશભરમાં જાણીતા સુરત શહેરમાં દિવાળી વેકેશનની અસર જોવા મળી રહી છે. રોજિંદા જીવનમાં સતત દોડતું સુરત હાલ જાણે થંભી ગયું હોય તેવો માહોલ છે. રોજગારી અને વ્યવસાય માટે સુરતમાં વસવાટ કરતા હજારો પરિવારો તહેવારો ઉજવવા વતન જતા શહેરના અનેક વિસ્તારમાં વાહન વ્યવહાર અને લોકોની અવરજવર ઘટી છે. શહેરના રસ્તાઓ સુમસામ નજરે પડી રહ્યા છે.

સુરતમાં વસેલા પરિવાર વતન પરત

દિવાળી વેકેશનની શરૂઆત થતાં જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સુરતમાં આવીને વસેલા પરિવારો પોતાના વતન પહોંચ્યા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી રોજગારી માટે આવેલા શ્રમિકો અને કારીગરો પરિવાર સાથે દિવાળી અને છઠ્ઠ પર્વની ઉજવણી કરવા વતન પરત જઈ રહ્યા છે.

વેપાર-રોજગાર બજારોમાં પૂર્ણ સન્નાટો

છેલ્લા કેટલાક દિવસોથી રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર જોવા મળતી મુસાફરોની ભારે ભીડ બાદ હવે શહેરમાં ધીમે ધીમે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના વેપારનું મુખ્ય કેન્દ્ર ગણાતા રિંગ રોડ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં હાલ સૌથી વધુ ફેરફાર જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં વેપારીઓ, કાપડના દલાલો, ખરીદદારો અને વાહનોની અવરજવરથી ધમધમતા આ વિસ્તારમાં અત્યારે શાંતિ છવાયેલી છે.

naidunia_image

સતત ધમધમતા રસ્તાઓ સુમસામ થયા

તહેવારોને ધ્યાનમાં રાખીને મોટાભાગના વેપાર-ધંધા બંધ હોવાથી રસ્તાઓ પર વાહનોની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે. જે રસ્તાઓ પર સામાન્ય દિવસોમાં ટ્રાફિકની લાંબી કતારો જોવા મળતી હોય છે, ત્યાં હાલ ખુલ્લા રસ્તા નજરે પડી રહ્યા છે. આ બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે કેટલાક સ્થળોએ સ્થાનિક યુવાનો ક્રિકેટ રમતા પણ જોવા મળી રહ્યા છે. ટ્રાફિકના ઘોંઘાટથી ટેવાયેલા લોકો માટે આ દ્રશ્યો કંઈક અલગ જ અનુભવ કરાવી રહ્યા છે.

રહેણાંક વિસ્તારમાં પણ શાંતિનો માહોલ

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પણ તહેવારોની રજાઓની અસર જોવા મળી રહી છે. વરાછા, કતારગામ અને કામરેજ તરફના વિસ્તારોની સાથે અડાજણ, પાલ અને વેસુ જેવા વિસ્તારોમાં પણ સામાન્ય દિવસોની સરખામણીએ લોકોની અવરજવર ઓછી થઈ છે. અનેક સોસાયટીમાં રહેતા પરિવારો વતન અથવા ફરવા ગયા હોવાથી રહેણાંક વિસ્તારમાં પણ શાંતિનો માહોલ છે.

naidunia_image

વ્યસ્ત જીવનથી તદ્દન અલગ તસવીર રજૂ

બજારોમાં પણ ગ્રાહકોની સંખ્યા ઘટી છે અને અનેક દુકાનો તથા વ્યવસાયિક એકમો તહેવારોની રજાઓને કારણે બંધ છે. આમ, શહેરના વિવિધ વિસ્તારોમાં એક સાથે જોવા મળતી આ શાંતિ સુરતના રોજિંદા વ્યસ્ત જીવનથી તદ્દન અલગ તસવીર રજૂ કરી રહી છે. હાલ દિવાળી અને છઠ પૂજાની ઉજવણી માટે વતન ગયેલા લોકો તહેવારોનો આનંદ માણી રહ્યા છે.

લાભ પાંચમથી ફરી ધમધમશે સુરત શહેર

બીજી તરફ સુરતના વેપારીઓ અને ઉદ્યોગકારો પણ રજાઓ બાદ ફરી કામકાજ શરૂ કરવાની તૈયારીમાં છે. પરંપરા મુજબ લાભ પાંચમના શુભ મુહૂર્તથી વેપારીઓ પોતાના વ્યવસાયનું નવું કામકાજ શરૂ કરશે. લાભ પાંચમ બાદ કાપડ માર્કેટ, કારખાના, દુકાનો અને ઓફિસોમાં ફરી રાબેતા મુજબ કામકાજ શરૂ થવાની સાથે શહેરમાં વાહનોની અવરજવર અને લોકોની ભીડ પણ વધશે. પછી શહેરમાં રાબેતા મુજબની ચહલપહલ અને ટ્રાફિકના દ્રશ્યો ફરી જોવા મળશે.