Surat Electric Bus: સુરત શહેરમાં વાહનોની સંખ્યામાં સતત થઈ રહેલા વધારા અને તેના કારણે વધતા હવા પ્રદૂષણને નિયંત્રણમાં લેવા સુરત મહાનગરપાલિકાએ જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ પર્યાવરણલક્ષી બનાવવાની દિશામાં આયોજન હાથ ધર્યું છે. શહેરમાં હાલમાં આશરે 450 ઇલેક્ટ્રિક બસો કાર્યરત છે. હવે તબક્કાવાર વધુ 600 ઇલેક્ટ્રિક બસો પરિવહન સેવામાં સામેલ કરવાની યોજના બનાવવામાં આવી છે. આ આયોજન નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થશે તો આગામી ઓગસ્ટ મહિના સુધીમાં સુરતના રસ્તાઓ પર કુલ 1,050 ઇલેક્ટ્રિક બસો દોડતી થઈ જશે.
3 તબક્કામાં કરાશે નવી ઈ-બસોનો સમાવેશ
સુરત મહાનગરપાલિકાની સિટી બસ અને બીઆરટીએસ (BRTS) સેવાઓમાં હાલમાં આશરે 630 બસો મુસાફરોની સેવા માટે કાર્યરત છે. આમાંથી અંદાજે 450 બસો ઇલેક્ટ્રિક છે, જ્યારે અન્ય બસો ડીઝલથી ચાલે છે. પાલિકાના આયોજન પ્રમાણે નવી ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ડિસેમ્બર મહિનામાં 100 નવી બસો પરિવહન સેવામાં જોડાશે.
ઓગસ્ટ માસમાં 200 નવી બસો સામેલ કરાશે
એપ્રિલ મહિનામાં વધુ 300 ઇલેક્ટ્રિક બસો રસ્તા પર ઉતારવામાં આવશે. અંતિમ તબક્કામાં ઓગસ્ટ મહિના સુધીમાં વધુ 200 બસો સેવામાં સામેલ કરવાનું આયોજન છે. આમ, ત્રણ તબક્કામાં કુલ 600 નવી ઇલેક્ટ્રિક બસો સુરતના જાહેર પરિવહન કાફલામાં ઉમેરાશે. હાલની 450 ઇલેક્ટ્રિક બસો સાથે આ સંખ્યા વધીને 1,050 થશે. પરિણામે આગામી ઓગસ્ટ સુધીમાં શહેરમાં ઇલેક્ટ્રિક બસોનું વ્યાપક નેટવર્ક ઊભું થશે.
પરિવહન સેવાનો 2 લાખ લોકો કરે છે ઉપયોગ
સુરત મહાનગરપાલિકાની સિટી બસ અને BRTS સેવા શહેરના જાહેર પરિવહનનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની છે. આ બંને સેવાઓનો દરરોજ સવા બે લાખથી વધુ મુસાફરો ઉપયોગ કરે છે. આ મુસાફરોમાં નોકરિયાત મહિલાઓ અને વિદ્યાર્થીઓનો મોટો વર્ગ સામેલ છે. આ ઉપરાંત શહેરનાં વિવિધ ટેક્સટાઇલ માર્કેટ, હીરા બજાર તેમજ અન્ય વેપારી વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓ પણ રોજિંદી અવરજવર માટે આ બસ સેવાઓ પર આધાર રાખે છે.
શહેરમાં ઇલેક્ટ્રિક બસોની સંખ્યામાં થનારો આ વધારો જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ ઇલેક્ટ્રિક મોડ પર લઈ જવાના સુરત મહાનગરપાલિકાના આયોજનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.
