Surat Doctor Suicide Case: સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ મામલે ચાલતી તપાસમાં રેગિંગના આક્ષેપો સામે આવતા હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પ્રશાસને કડક વલણ અપનાવ્યું છે. જુનિયર વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
એન્ટી રેગિંગ ટીમની તપાસમાં ખુલાસો
મળતી માહિતી મુજબ, એન્ટી રેગિંગ ટીમે મોડી રાત્રે આશરે નવ જેટલા વિદ્યાર્થીની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન વિદ્યાર્થીઓએ સિનિયર ડોક્ટરો દ્વારા કરવામાં આવતા વ્યવહાર અને રેગિંગની ઘટનાઓ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી.
આ ફરિયાદોની ગંભીરતાને જોતા પ્રશાસને તાત્કાલિક અસરથી શિસ્ત ભંગની કાર્યવાહી કરી છે. જુનિયર વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા ડોક્ટરોમાં ડૉ. નિરાલી વસાવા, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દિક્ષિતાબેન સેસરિયન અને ડૉ. હિના ભૂતનો સામેલ છે.
શૈક્ષણિક-હોસ્પિટલ કામગીરી પર પ્રતિબંધ
આ ચારેય ડોક્ટરોને આગામી છ મહિના સુધી હોસ્પિટલની તમામ કામગીરી, હોસ્ટેલ નિવાસ અને ટીચિંગ એક્ટિવિટીમાંથી દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકશે નહીં.
ફેકલ્ટી સભ્યોને શો કોઝ નોટિસ ફટકારાઈ
આ સમગ્ર પ્રકરણમાં માત્ર ડોક્ટરો જ નહીં, પરંતુ જવાબદાર ફેકલ્ટી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ડો. સંગીતા રાજદે, ડો. યોગિતા મિસ્ત્રી અને ડો. લતિકા પુરોહિતને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. કોલેજ કાઉન્સિલ દ્વારા આ રિપોર્ટને મંજૂરી આપી રાજ્ય સરકારને સત્તાવાર અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે.
શું આપઘાત અને રેગિંગ વચ્ચે કોઈ કડી છે?
હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તબીબના આપઘાત પાછળ આ રેગિંગ જ મુખ્ય કારણ હતું. જોકે, પ્રશાસન અને તપાસ ટીમે સ્પષ્ટ કર્યું છે કે રેગિંગના આક્ષેપોની વાસ્તવિકતા અને આપઘાત વચ્ચેના સંબંધ અંગે અંતિમ નિષ્કર્ષ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આગામી સમયમાં આ મામલે પોલીસ ફરિયાદ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે.
