સુરત જિલ્લામાં 6 થી 18 વર્ષના શાળા બહારના બાળકોનો સર્વે શરુ, શાળાએ ન જતાં અને અભ્યાસ છોડી દેનાર બાળકોની થશે ઓળખ

સર્વે માટે ઈંટોના ભઠ્ઠા, શેરડી કાપણી માટેના કેમ્પ, બાંધકામ સાઇટ, સ્થળાંતરિત શ્રમિકોની વસાહતો સહિત માનવ વસ્તી ધરાવતા તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે, જેથી કોઈ બાળક સર્વેમાંથી બાકાત ન રહી જાય.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 19 Nov 2026 11:35 AM (IST)Updated: Thu, 19 Nov 2026 11:35 AM (IST)
surat-district-out-of-school-children-survey-6-to-18-years-education-department

Surat News: સુરત જિલ્લામાં એક પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહી જાય તેવા હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં આગામી એક મહિના દરમિયાન શાળા બહારનાં બાળકોની ઓળખ કરવા માટે વ્યાપક સર્વે કરવામાં આવશે. ખાસ કરીને ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂર્ણ ન કરી શકેલા, ક્યારેય શાળામાં પ્રવેશ ન મેળવ્યો હોય અથવા અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હોય તેવા બાળકોને આ સર્વેમાં આવરી લેવામાં આવશે.

ઘરે-ઘરે જઈ બાળકોની શૈક્ષણિક સ્થિતિ અંગે માહિતી એકત્રિત કરાશે

આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તલાટી, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો અને શિક્ષકોની ટીમો દ્વારા ઘરે-ઘરે જઈ બાળકોની શૈક્ષણિક સ્થિતિ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સર્વે માટે ઈંટોના ભઠ્ઠા, શેરડી કાપણી માટેના કેમ્પ, બાંધકામ સાઇટ, સ્થળાંતરિત શ્રમિકોની વસાહતો સહિત માનવ વસ્તી ધરાવતા તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે, જેથી કોઈ બાળક સર્વેમાંથી બાકાત ન રહી જાય.

6થી 18 વર્ષની વયજૂથનાં બાળકો પર ધ્યાન કેન્દ્રિત

આ સર્વેમાં મુખ્યત્વે 6થી 18 વર્ષની વયજૂથનાં બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણથી લઈને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ ન કર્યો હોય, શાળા છોડી દીધી હોય અથવા અત્યાર સુધી ક્યારેય શાળામાં ગયા ન હોય તેવા તમામ બાળકોની વિગતો એકત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ બાળકોને પણ સર્વેના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે.

સર્વેની કામગીરીનું સતત મોનિટરિંગ કરવા સૂચના

સર્વેની કામગીરીમાં કોઈ બાળક છૂટી ન જાય અને અભિયાન અસરકારક રીતે પૂર્ણ થાય તે માટે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કક્ષાના કો-ઓર્ડિનેટરોને અલગ-અલગ તાલુકાની જવાબદારી સોંપીને સર્વેની કામગીરીનું સતત મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.

સર્વે પૂર્ણ થયા બાદ ઓળખાયેલા તમામ શાળા બહારનાં બાળકોને તેમની નજીકની શાળામાં પ્રવેશ અપાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ, માત્ર બાળકોની ઓળખ પૂરતી મર્યાદિત ન રહેતાં તેમને ફરી શિક્ષણની મુખ્યધારા સાથે જોડવાનો શિક્ષણ વિભાગનો પ્રયાસ છે.