Surat Chhath Puja 2026: સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ફ્લાવર ગાર્ડનની સામેના તળાવ ખાતે લોકઆસ્થાના મહાપર્વ છઠ પૂજાને લઈને ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તળાવના ઘાટ પર સાફ-સફાઈ, સજાવટ અને પૂજાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. છઠ મહાપર્વને લઈને બિહારી પરિવારોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે.
બિહારના લોકોમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ
આ પણ વાંચો
આ અંગે સ્થાનિક પૂજા પટેલે જણાવ્યું હતું કે, છઠ પૂજા માત્ર સુરત કે ગુજરાત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જ્યાં પણ બિહારી પરિવારો વસે છે. ત્યાં આ મહાપર્વ ખૂબ જ શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પર્વની પરંપરા અત્યંત પ્રાચીન છે, દિવાળીના છ દિવસ બાદ કારતક મહિનાની સુદ છઠ્ઠના દિવસે ઉજવાતા આ ચાર દિવસીય મહાપર્વનું બિહારી સમાજમાં વિશેષ મહત્વ છે. અનેક પરિવારો માટે છઠ પૂજાનું મહત્વ વિશેષ માનવામાં આવે છે.
છઠ પૂજામાં ભક્તે શું કરવું?
છઠ પૂજાના પ્રથમ દિવસને 'નહાય-ખાય' કહેવામાં આવે છે. આ દિવસે ભક્તો પવિત્ર સ્નાન કરીને શુદ્ધ ભોજન ગ્રહણ કરે છે. ખાસ કરીને દૂધીનું શાક ખાવાની પરંપરા છે. બીજા દિવસે 'ખરના' કરવામાં આવે છે. જેમાં ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે અને સાંજે પૂજા કર્યા બાદ પ્રસાદ ગ્રહણ કરે છે. ત્યારબાદ ત્રીજા દિવસે અસ્ત થતા સૂર્યને સંધ્યા અર્ઘ્ય આપવામાં આવે છે, જ્યારે ચોથા દિવસે સૂર્યોદય સમયે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. આ દરમિયાન વ્રતધારીઓ અંદાજે 36 કલાકનો કઠિન નિર્જળા ઉપવાસ રાખે છે.
ડિંડોલી તળાવે શ્રદ્ધાળુઓ ઉમટશે
સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની આરાધનાના આ મહાપર્વમાં પરિવારની સુખ-સમૃદ્ધિ, સંતાનના સારા સ્વાસ્થ્ય અને સમગ્ર સમાજના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. ડિંડોલી તળાવ ખાતે પણ છઠ પૂજાના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેવી શક્યતા છે. ભક્તિ, આસ્થા અને પરંપરાના સંગમ સમાન આ મહાપર્વને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે.
