Surat: સુરતના હીરા ઉદ્યોગમાં મંદી અને કામકાજની અનિશ્ચિતાના કારણે રોજગાર માટે રશિયા ગયેલો રત્નકલાકાર યુવક છેલ્લા ચારેક મહિનાથી ભેદી સંજોગોમાં ગુમ થઈ જતાં તેના પરિવારજનો ચિંતિત બન્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના પ્રતાપગઢ ગામના વતની અને વર્ષોથી સુરતના કતારગામમાં સ્થાયી થયેલા રમણિક સાખવાળા (39) નામનો રત્નકલાકાર હીરા ઉદ્યોગમાં મંદી અને રોજગારીની અનિશ્ચિત્તતાની સ્થિતિ વચ્ચે પોતાના એક મિત્ર સાથે જૂન 2025માં વિઝિટર વિઝા પર રશિયા ગયો હતો. જ્યાં શરૂઆતમાં ખર્ચો કાઢવા માટે તેઓ રશિયામાં છૂટક મજૂરી કરતા હતા.
અગાઉ તેમણે એપ્રિલમાં સુરત ફરવાનું નક્કી કર્યું હતુ, પરંતુ આર્થિક સંકડામણના કારણે રોકાણ લંબાવવાની ફરજ પડી હતી. આ સમયે રશિયન સૈન્યમાં સપોર્ટ સ્ટાફ તરીકે જોડાવાની ઑફર આવતા તેઓ જૂન મહિનામાં મિલિટરીમાં જોડાઈ ગયા હતા. જે બાદ તેમને રશિયન પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવ્યો હોવાની વિગતો અને તસવીરો પરિવારને મોકલવામાં આવી હતી.
સરહદ પર જઈ રહ્યો હોવાથી નેટવર્ક નહીં મળે, સામેથી ફોન કરીશ
પરિવારજનોના જણાવ્યા મુજબ, ગત 24 જૂનના રોજ રમણિકભાઈ સાથે ટેલિફોન પર વાત થઈ હતી. આ સમયે તેમણે જણાવ્યું હતું કે, તેઓ સશસ્ત્ર દળો સાથે સરહદ પર જઈ રહ્યા છે. જ્યાં નેટવર્ક નહીં મળવાના કારણે મારો ફોન બંધ રહેશે. 15 દિવસ બાદ નેટવર્કમાં આવ્યા બાદ હું સામેથી ફોન કરીશ. જો કે 15 દિવસની વાતને આજે 3 મહિના વીતી ચૂક્યા છે. આમ છતાં રમણીકભાઈનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
ફૂડ ટ્રાન્સફરનું કામ કહીને સેફ્ટી માટે ગન પકડાવી દીધી
પરિવારના પૂછવા પર રમણિકે યુદ્ધમાં લડવા જવાનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે, અમારે તો માત્ર ફૂડ ટ્રાન્સફરનું જ કામ કરવાનું છે. જો કે ત્યાર બાદ સેફ્ટી માટે ગન ચલાવતા શીખવાડવામાં આવી હતી.
મિલિટરી કેમ્પમાં શ્રીલંકન ટ્રેનર અર્જુન તમામ યુવાનોને તાલીમ આપતો હતો. ખુદ રમણિકે અર્જુનનો નંબર આપીને જણાવ્યું હતું કે, જો મારો સંપર્ક ના થઈ શકે, તો આ નંબર પર કોલ કરવો. જો કે રમણિક ગુમ થયા બાદ અર્જુન પણ સતત ગોળગોળ જવાબ આપી રહ્યો છે અને પોતાનું ટ્રાન્સફર થઈ ગયું હોવાનું કહીને હાથ અદ્ધર કરી દીધા છે.
હીરાઘસુ યુવકની વર્તમાન સ્થિતિ અંગે એમ્બેસી પાસે કોઈ ડેટા નહીં
રમણીકભાઈની શોધખોળ માટે ચિંતિત પરિવારજનો PMO ઉપરાંત ભારત સ્થિત રશિયન એમ્બેસીમાં રજૂઆત કરી ચૂક્યા છે. જો કે રશિયન એમ્બેસીએ પાસે પણ રમણિકભાઈની વર્તમાન સ્થિતિ અંગેનો કોઈ ડેટા ઉપલબ્ધ ના હોવાનું જણાવ્યું છે. હાલ તો પરિવાર રમણીકભાઈને હેમખેમ સુરત પરત લાવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યો છે.
