Vadodara: વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપીને નાગરિકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરતા એક કુખ્યાત સાયબર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી છે, જેઓ 400થી વધુ ડમી સિમકાર્ડ અને આંતરરાષ્ટ્રીય વોટ્સએપ એકાઉન્ટ્સની મદદથી સમગ્ર કૌભાંડ ચલાવતા હતા.
તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, આરોપીઓએ ગત 8 ફેબ્રુઆરીથી 21 એપ્રિલ વચ્ચે સેબી રજિસ્ટર્ડ કંપનીના નામે ખોટા સ્ક્રીનશોટ અને બનાવટી લિંક્સ મોકલીને લોકોને ‘વોલ સ્ટ્રીટ ધર્મા D9’ તથા ‘શાર્ક ક્લબ D9’ જેવા વોટ્સએપ ગ્રૂપમાં જોડ્યા હતા.
આ ઠગો ભોગ બનનારાઓનો વિશ્વાસ જીતવા માટે ડૉ. રાજીવ સિંઘ, ખુશી ગોયલ તેમજ પોલીસ અધિકારી ACP ગોડસે જેવા ખોટા નામો અને ઓળખનો ઉપયોગ કરતા હતા. જે બાદ ટ્રેડિંગ અને આઈપીઓ (IPO)માં રોકાણ કરાવી નફો થયાનું ખોટું ચિત્ર ઊભું કરી અલગ-અલગ બેંક ખાતાઓમાં નાણાં પડાવવામાં આવતા હતા. માત્ર એક જ ફરિયાદમાં આ પ્રકારે રૂ. 1.57 કરોડની છેતરપિંડી સામે આવી છે.
આ રેકેટમાં પોલીસે સુબોધ શર્મા, કરણ ભાષાણી, આર્યનકુમાર પંચાલ અને સર્વેશ પાટીલની ધરપકડ કરી છે. આ આરોપીઓની અલગ-અલગ ભૂમિકાઓ હતી; જેમાં કોઈ સિમકાર્ડ સપલાય કરતું હતું, કોઈ ઓટીપી (OTP) મેળવતું હતું, તો કોઈ બાયનાન્સના ટ્રસ્ટ વોલેટ મારફતે યુએસડીટી (USDT)માં નાણાં મેળવી કમિશન મેળવતું હતું.
આરોપીઓની પૂછપરછમાં રાષ્ટ્રીય સ્તરે મોટો ખુલાસો થયો છે કે, તેમની વિરુદ્ધ દેશભરના વિવિધ રાજ્યોમાં એનસીઆરપી (NCRP) પોર્ટલ પર કુલ 87 ફરિયાદો નોંધાયેલી છે, જેમાં આશરે રૂ. 33.04 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે.
સાયબર ક્રાઈમે નાગરિકોને સોશિયલ મીડિયા પર દેખાતી લોભામણી જાહેરાતો, ફોરેક્સ ટ્રેડિંગની ટિપ્સ અને અજાણ્યા ગ્રૂપમાં જોડાઈને રોકાણ કરવા સામે સખત ચેતવણી આપી છે. પોલીસે નાગરિકોને પોતાના પીએન (PAN) કે આધાર કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો અને બેંક ખાતા કે સિમકાર્ડ અન્ય કોઈને ન આપવા અપીલ કરી છે. જો કોઈ નાગરિક ઓનલાઈન ફ્રોડનો ભોગ બને, તો તેણે તાત્કાલિક રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર અથવા સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ.
