કતારગામમાં માથા વિનાની લાશનો ભેદ ઉકેલાયોઃ પગારના હિસાબમાં ગેરસમજ થતાં સાથી કર્મચારીએ ઘાતકી હત્યા કરી હોવાનું ખુલ્યું

સુરતના કતારગામમાં CNI કબ્રસ્તાનમાંથી મળેલ માથા વિનાની લાશનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પગારના હિસાબમાં ગેરસમજ થતાં સાથી કર્મચારીએ જ યુવકની ઘાતકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Nov 2026 11:53 PM (IST)Updated: Wed, 04 Nov 2026 11:53 PM (IST)
surat-crime-beheaded-body-mystery-solved-in-katargam-co-worker-arrested-over-salary-dispute

Surat: શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તા દેવડી રોડ પરના CNI ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી માથા વિનાની યુવકની લાશ મળવાના ચકચારી ગુનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો છે. જેમાં માત્ર પગારના હિસાબમાં ગેરસમજ થતાં સાથી કર્મચારીએ જ યુવકની ઘાતકી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

વસ્તા દેવડી રોડ પર આવેલ CNI ખ્રિસ્તી કબ્રસ્તાનમાં દીવાલ પાસે અજાણ્યા યુવકનું માથા વિનાનું ધડ મળી આવ્યું હતુ. પ્રાથમિક તપાસમાં યુવકની ઉંમર 30 થી 35 વર્ષની આસપાસ હોવાનું અને તેની ઓળખ છુપાવવા માટે જ તેનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતુ.

આ ઘટનાને ગંભીરતાથી લેતા કતારગામ પોલીસ અલગ-અલગ ટીમો બનાવીને CCTV કેમેરાના ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં હત્યારા યુવકની ઓળખ રેલ રાહત કોલોનીમાં રહેતા સચિત્રકુમાર નરેન્દ્ર બાલ તરીકે થઈ હતી. જેની પૂછપરછ કરતાં સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

પોલીસ પૂછપરછમાં મૃતક યુવકની ઓળખ સંજય તરીકે થઈ હતી. જે કતારગામ GIDCમાં સંચા મશીનના કારખાનામાં હત્યારા સાથે કામ કરતો હતો. મૃતક સંતય કારખાનાના કામદારોના પગારનો હિસાબ નોટબુકમાં લખતો હતો.

સચિંત્રકુમારને શંકા ગઈ હતી કે, છેલ્લા 7 મહિનાથી સંજય પોતાના પગારમાંથી દરરોજના 160 રૂપિયાઓછા આપતો હતો. આમ છેલ્લા 7 મહિનાના 25 થી 30 હજાર રૂપિયાને લઈને બન્ને વચ્ચે મનદુઃખ ચાલતુ હતુ. આ બાબતનો ખાર રાખીને આરોપીએ 1 નવેમ્બરે સંજયને પોતાના ઘરે બોલાવીને દાતરડા વડે તેની હત્યા કરી હતી. જે બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કોથળામાં ભરીને પોતાના ઘરની બાજુમાં આવેલા કબ્રસ્તાનમાં ફેંકી દીધો હતો.

જો કે મૃતકની ઓળખ છતી થવાની બીક લાગતા બીજા દિવસે સવારે ફરીથી કબ્રસ્તાનમાં ગયો અને મૃતકનું માથું ધડથી અલગ કરી દીધુ હતુ. જે બાદ માથુ અલ્કાપુરી બ્રિજ પરથી રેલવે ટ્રેક પર ફેંકી દીધુ હતુ. આરોપીની પૂછપરછના આધારે મૃતકનું માથુ પણ કબજે કરવામાં આવ્યું હતુ. હાલ તો પોલીસે આરોપીની સાથે અન્ય કોઈ સંકળાયેલું છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે.