Hinisha Patel Death News: સુરતના ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિનીષા પટેલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તેમના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી, આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સુરતના ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિનીષા પટેલ સુરતના રાંદેર વિસ્તારમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. હિનીષા પટેલના પતિ પણ મહેસૂલ વિભાગમાં જ ફરજ બજાવે છે અને તેઓ હાલ ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત છે.
પતિ-પત્ની બંને એક જ કચેરીમાં ફરજ બજાવતા હોય આજે સવારે ઓફિસે નીકળતી સમયે પતિ કેતન પટેલ નીચે કાર લેવા ઉતર્યા હતા. પરંતુ, પત્ની નીચે ન આવતા કેતન પટેલે ઉપર જઈ ચેક કર્યું તો હિનીષા પોતાના બેડરુમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેને હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત જાહેર કરી હતી. હિનીષાબેનએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હાલ સામે આવ્યું નથી.
હિનીષા પટેલ ઓલપાડ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા હોવાથી ત્યાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક અને તેમના પતિ બંને અગાઉ રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા હતા અને વર્ષ 2023માં જ બંનેએ પ્રમોશન મેળવી નાયબ મામલતદાર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો.
બનાવની જાણ થતા રાંદેર પોલીસની ટીમ પહોચી હતી, પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે, પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. કયા સંજોગોમાં મહિલા અધિકારીએ આ પગલું ભર્યું તે વાતથી સૌ કોઈ સ્તબ્ધ છે.
