સુરતમાં અમાનવીય ઘટના: વહુએ વૃદ્ધ સાસુને લાફા ઝીંક્યા, વીડિયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ

સુરતના સરથાણા સ્વામીનારાયણ ગુરુકુળના જ પ્યૂનની પત્નીએ પોતાના વૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વખતે લાફા માર્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 10 Oct 2026 08:47 AM (IST)Updated: Sat, 10 Oct 2026 08:47 AM (IST)
surat-daughter-in-law-slaps-elderly-mother-in-law-video-viral-police-investigation

Surat Crime News: સુરતના સરથાણામાં આવેલા સીમાડા ગામ નજીકના સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળથી એક અત્યંત અમાનવીય ઘટના સામે આવી છે. અહીં રહેતા પરિવારની પુત્રવધુ પોતાની વૃદ્ધ સાસુને સ્નાન કરાવવા દરમિયાન નિર્દયતાથી માર મારી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયો સામે આવતાં જ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને સમજીને સરથાણા પોલીસે ત્વરિત પગલા ભરી દંપતીને પોલીસ મથકે બોલાવી પૂછપરછ હાથ ધરી છે. સરથાણા પોલીસ મથકમાંમહિલાએ કબૂલાત કરી હતી કે આવેશમાં આવીને તેનો હાથ ઉપડી ગયો હતો અને તેણે પોતાની ભૂલ બદલ માફી માંગી છે.

પાડોશીએ મોબાઈલમાં કેદ કરી ક્રૂર કરતૂત

સીમાડા ગામ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળની બાજુમાં જ એક પ્રાઈવેટ બિલ્ડિંગ આવેલી છે. ગુરુકુળની છત પર એક મહિલા વૃદ્ધાને નવડાવી રહી હતી, તે દરમિયાન અચાનક મહિલાએ વૃદ્ધા પર હાથ ઉપાડીને લાફા મારવાનું શરૂ કરી દીધું હતું. બાજુની બિલ્ડિંગમાં રહેતા એક જાગૃત નાગરિકે આ ક્રૂરતા જોતાં તુરંત જ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.

ગુરુકુળના પ્યુનનો પરિવાર હોવાનો ખુલાસો

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ સરથાણા પોલીસ તુરંત દોડતી થઈ હતી અને તપાસ અર્થે ગુરુકુળ પહોંચી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગુરુકુળમાં પ્યુન તરીકે નોકરી કરતો યુવક પોતાના પરિવાર સાથે છત પર આવેલા રૂમમાં રહે છે.

વીડિયોમાં દેખાતી પીડિત વૃદ્ધા પ્યુનની માતા છે, જ્યારે તેની સાથે ગેરવર્તન કરી માર મારનાર મહિલા તેની પુત્રવધૂ કિરણબેન છે. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તુરંત જ પુત્ર અને પુત્રવધુ બંનેને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા.

'આવેશમાં હાથ ઉપડી ગયો' - પુત્રવધુની સ્પષ્ટતા

સરથાણા પોલીસ મથકે પૂછપરછ દરમિયાન પુત્રવધૂ કિરણે જણાવ્યું હતું કે, તે છેલ્લાં બે વર્ષથી પોતાની સાસુની સેવા કરી રહી છે. તેના સાસુની માનસિક સ્થિતિ સારી ન હોવાથી સારા-નરસાનું ભાન રહેતું નથી અને તેઓ કપડામાં જ હાજત કરી દેતા હોય છે.

પોતાનો પક્ષ રજૂ કરતાં કિરણે વધુમાં કહ્યું હતું કે, "છેલ્લા ચાર દિવસથી સાસુ સ્નાન કરવાનો સતત ઈનકાર કરી રહ્યા હતા, જેથી તેમને બળજબરીપૂર્વક સ્નાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે સાસુ નહાવા દેતા ન હોવાથી હું આવેશમાં આવી ગઈ અને આ પ્રકારનું અશોભનીય વર્તન કરી બેઠી હતી. હું પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માંગુ છું."