Surat: સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમને મોટી સફળતા મળી છે. જેમાં ઓનલાઈન ફ્રોડ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં અંદાજે રૂ. 410 કરોડની ઑનલાઈન છેતરપિંડીનો ભેદ ઉકેલાઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતમાં એક ફરિયાદીને શેર ટ્રેડિંગ કરવાથી વધુ નફો મળતો હોવાની લાલચ આપવામાં આવી હતી. આ માટે HB ULTRA તથા IISL See નામની બોગસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવીને તેમાં ફરિયાદીના નામનું ટ્રેડીંગ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતુ. આ એપ્લિકેશન મારફતે અલગ-અલગ એકાઉન્ટોમાં ફરીયાદી પાસેથી રૂ.23.38 લાખ ટ્રાન્સફર કરાવી રૂપિયા વિડ્રો કરવા દીધા ન હતા. આ મામલે સુરત સાયબર ક્રાઈમ સેલ ખાતે ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસની તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ સેલની ટીમે સુરત સિવિલ ચાર રસ્તા પાસેથી અબ્દુલ રહેમાન આકુકારા (23) અને મોહસિન ખાન ઉર્ફે ટુન્નુ શમીમખાન (38)ને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં રાંદેર-કોઝવે રોડ પર રહેતો આરોપી અબ્દુલ રહેમાન યુરોપમાં સિવિલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને ત્રણ મહિના પહેલા જ ભારત પરત ફર્યો છે. જ્યારે મોહસિન મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલમાં નાનપુરા ટીમલીયાવાડમાં રહીને કટરર્સમાં મજૂરી કરે છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મોહસિનખાનના નામે આરોપી અબ્દુલ રેહેમાનએ મન્સૂરી ડિજિટલ ટ્રેડીંગ નામથી બોગસ ફર્મ બનાવી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, એક્સીસ બેંકમાં 4 કરંટ એકાઉન્ટ ઓપન કરાવ્યા હતા. તેમજ 12 સેવિંગ એકાઉન્ટ ઓપન કરાવી સાયબર ફ્રોડના રૂપિયાની ગેરકાયદેસર હેરાફેરી કરી હતી
વધુમાં આરોપી અબ્દુલ રેહેમાન સાયબર ફ્રોડ આચરતી ચાઇનીઝ ગેંગ જે દુબઈથી ઓપરેટ થાય છે, તેમના માટે કામ કરતો હતો. અબ્દુલ રહેમાન મ્યુલ એકાઉન્ટો ઓપન કરાવી સાયબર ફ્રોડના રૂપિયા આ એકાઉન્ટમાં મેળવી USDTમાં કન્વર્ટ કરી બીજાના નામના વોલેટથી ચાઇનીઝ ગેંગને કમિશન લઇ મોકલતો હતો. આ સિવાય તેમને મ્યુલ એકાઉન્ટો ઓપન કરાવવામાં પણ કમીશન મળતુ હતું.
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મન્સૂરી ડિજિટલ ટ્રેડીંગના કરંટ એકાઉન્ટમાં તા. 24-08-2026 થી 16-09-2026 સુધીમાં 1,19,03,919 રૂપિયાના ટ્રાન્જેકશનો થયા છે અને નેશનલ સાયબર ક્રાઈમ રીપોર્ટીંગ પોર્ટલ ઉપર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ 18 ઓનલાઈન ફરિયાદો નોંધાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું
વધુમાં પોલીસે જપ્ત કરેલા 4 મોબાઈલ પૈકી આરોપી અબ્દુલ રેહેમાન પાસેથી મળેલા આઈફોનમાં તપાસ કરતા અલગ અલગ બેંકના કુલ 96 બેંક એકાઉન્ટોની વિગતો મળી આવી હતી. તેમજ અલગ અલગ વ્યક્તિઓના નામના અલગ અલગ બેંકના કુલ 30 ડેબિટ કાર્ડની વિગત મળી આવી છે.
વધુમાં સાયબર ફ્રોડ આચરતા ચાઇનીઝ ગેંગના સભ્યો સાથે છેલ્લા 1 વર્ષથી ટેલિગ્રામ ઉપર વાતચીત થયેલાની ચેટ મળી આવી હતી. તેમજ કુલ 13 અલગ અલગ બેંકની એપ્લીકેશન મળી આવી છે અને બે USDT વોલેટ મળી આવ્યા હતા. જેમાં USDT વોલેટમાં કુલ 19,14,611 ટ્રાન્જેકશનો થયેલાની હક્કિત જણાઈ આવી છે. આ ઉપરાંત અલગ અલગ કુલ ૧૧ મેઈલ આડી લોગીન હોવાનું જણાય આવ્યું હતું
વધુમાં આરોપીના ઘરની ઝડતી તપાસમાં 12 મોબાઈલ ફોન, અલગ અલગ બેંકના લીથુએનીયા અને ઇન્ડીયન ડેબીટકાર્ડ નંગ 17 અને અલગ અલગ બેંકની 2 ચેકબુક જપ્ત કરી હતી. આરોપીના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા બેંક એકાઉન્ટો આધારે નેશનલ સાયબર ક્રાઈમ રીપોર્ટીંગ પોર્ટલ ઉપર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં 338 ફરીયાદો થઇ છે અને આશરે 410 કરોડની ઓનલાઈન છેતરપીંડી થઇ હોવાનું સામે આવ્યું છે.
