સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 8 દિવસીય 'CHHAAP@Sabarmati 2026' કાર્યક્રમનો આરંભ, મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ કારીગરો સાથે સંવાદ સાધ્યો

NIFT ગાંધીનગર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર આઠ દિવસીય 'CHHAAP@Sabarmati 2026' કાર્યક્રમનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કરી કારીગરો સાથે સંવાદ સાધ્યો, જ્યાં ભારતીય હસ્તકલા અને હાથવણાટની ઉજવણી થઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 24 Oct 2026 06:19 PM (IST)Updated: Sat, 24 Oct 2026 06:19 PM (IST)
chhaap-sabarmati-2026-a-grand-celebration-of-handloom-handicrafts-and-modern-design

CHHAAP Sabarmati 2026: ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી (NIFT) દ્વારા ભારતના સમૃદ્ધ હસ્તકલા વારસા, પરંપરાગત કૌશલ્ય અને સમકાલીન ડિઝાઇનના નવીન અભિગમને સમર્પિત આઠ દિવસીય કાર્યક્રમ CHHAAP@Sabarmati 2026ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ઈવેન્ટ સેન્ટર A ખાતે 'સ્વર્ણિમ ભારત-વિરાસત અને વિકાસ' વિષયવસ્તુ પર આધારિત આ કાર્યક્રમમાં દેશભરના કારીગરો, NIFTના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ડિઝાઈનરો, વિદ્યાર્થીઓ અને હસ્તકલા પ્રેમીઓ એકત્રિત થયા હતા. જ્યાં ભારતની વિવિધ હસ્તકલા તથા હાથવણાટની પરંપરાઓની ઉજવણી કરી.

આગામી 30 ઓક્ટોબર સુધી ચાલનારા આ કાર્યક્રમનનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જે બાદ મુખ્યમંત્રીએ પ્રદર્શનના વિવિધ સ્ટૉલ્સની મુલાકાત લીધી. તેમણે કારીગરો સાથે સંવાદ સાધ્યો અને તેમની ઉત્કૃષ્ટ કારીગરી તથા ભારતની હાથવણાટ અને હસ્તકલાની સમૃદ્ધ વિવિધતાની પ્રશંસા કરી.

naidunia_image

તેમની મુલાકાતનું એક વિશેષ આકર્ષણ CHHAAP Craft Passportના ગૌરવપૂર્ણ ધારક બનવાનું રહ્યું. આ પહેલ મુલાકાતીઓને ભારતની વિવિધ હસ્તકલા પરંપરાઓને જાણવા, કારીગરો સાથે સીધો સંવાદ સાધવા અને હાથથી બનાવેલી વસ્તુઓ પાછળની સાંસ્કૃતિક વાર્તાઓને સમજવા માટે પ્રોત્સાહિત કરે છે.

આ પ્રસંગે NIFT ગાંધીનગરના નિયામક ડૉ. સમીર સૂદે જણાવ્યું કે, "CHHAAP@Sabarmati ભારતના જીવંત હસ્તકલા વારસાની ઉજવણી કરવાની અને પરંપરાગત કારીગરીને સમકાલીન ડિઝાઇન, નવીનતા તથા ઉદ્યોગસાહસિકતા સાથે જોડવાની એક અર્થપૂર્ણ પહેલ છે.

naidunia_image

કારીગરો, ડિઝાઇનરો, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને એક જ મંચ પર લાવીને અમારો ઉદ્દેશ હાથથી બનાવેલી પરંપરાઓ પ્રત્યે જાગૃતિ અને સન્માન વધારવાનો, કારીગરોની આજીવિકાને મજબૂત બનાવવાનો અને તેમના અમૂલ્ય જ્ઞાન તથા કૌશલ્યને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાનો છે.”

CHHAAP@Sabarmati 2026માં દેશભરના 100થી વધુ કારીગરો અને NIFTના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્ટૉલ્સ દ્વારા પ્રામાણિક હાથવણાટનાં કાપડ, હસ્તકલાની વસ્તુઓ અને પ્રાદેશિક ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ પ્રદર્શને કારીગરોને તેમની કારીગરી અને સર્જન પાછળની વાર્તાઓ રજૂ કરવાની તેમજ નવા ગ્રાહકો અને મુલાકાતીઓ સાથે જોડાવાની તક પૂરી પાડી. સાથે જ, આ પહેલે ડિઝાઇન આધારિત ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપ્યું અને પરંપરાગત કારીગરીને સમકાલીન બજારો સાથે જોડવામાં યોગદાન આપ્યું.

naidunia_image

આ કાર્યક્રમમાં ક્રાફ્ટ થીમ પેવેલિયન, જીવંત હસ્તકલા પ્રદર્શન, પ્રાયોગિક કાર્યશાળાઓ, માસ્ટરક્લાસ, પેનલ ચર્ચાઓ અને કલા વાર્તા – હસ્તકલા સંવાદ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આ પ્રવૃત્તિઓ દ્વારા કારીગરો, ડિઝાઇનરો, શિક્ષણવિદો અને ઉદ્યોગના નિષ્ણાતોએ પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ, નવીનતા અને ટકાઉ આજીવિકાની તકો અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું.

કલા દર્શન, એક ઇમર્સિવ વર્ચ્યુઅલ રિયાલિટી અનુભવ, મુલાકાતીઓને ભારતની હસ્તકલા પરંપરાઓની ડિજિટલ સફર પર લઈ ગયો અને સાંસ્કૃતિક વારસાના અર્થઘટન તથા પ્રસાર માટે ટેક્નોલોજીની સંભાવનાઓ રજૂ કરી.

naidunia_image

ઉદ્ઘાટન દિવસની ઉજવણીમાં કલા સંધ્યા નામનો વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં ભારતની રાષ્ટ્રીય ભાવના અને વસ્ત્ર વારસાની ઉજવણી કરવામાં આવી. NIFT ગાંધીનગર દ્વારા રજૂ કરાયેલા વિશેષ ફેશન શોએ “સ્વર્ણિમ ભારત – વિરાસત અને વિકાસ” વિષયથી પ્રેરાઈને ભારતના સમૃદ્ધ વસ્ત્ર વારસાને સમકાલીન ડિઝાઇનના દૃષ્ટિકોણથી રજૂ કર્યો. કાર્યક્રમમાં ભારતીય વાયુસેના બેન્ડ દ્વારા વંદે માતરમ્ની રજૂઆત, સાબરમતી આરતી અને ભવ્ય ડ્રોન શોનો પણ સમાવેશ થયો. આ પ્રસ્તુતિઓએ સંસ્કૃતિ, ફેશન, સંગીત, આધ્યાત્મિકતા અને ટેક્નોલોજીનો અનોખો સમન્વય સર્જ્યો.

CHHAAP@Sabarmati 2026 દ્વારા NIFT ગાંધીનગરે ભારતના જીવંત હસ્તકલા વારસાના સંરક્ષણ, કારીગર સમુદાયોને સહયોગ અને પરંપરાગત જ્ઞાન, ડિઝાઇન શિક્ષણ, નવીનતા તથા સમકાલીન બજારો વચ્ચે અર્થપૂર્ણ જોડાણ સ્થાપિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરી. આ કાર્યક્રમમાં ભારતીય હસ્તકલાને દેશની સાંસ્કૃતિક ઓળખ અને સર્જનાત્મક અર્થતંત્રના ગતિશીલ ભાગ તરીકે રજૂ કરવામાં આવી અને નવી પેઢીને આ અમૂલ્ય પરંપરાઓને સમજવા, જાળવવા તથા આગળ વધારવા માટે પ્રેરિત કરવામાં આવી.