Surat: વરાછામાં નશામાં ધૂત થઈને અકસ્માત સર્જનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની શાન ઠેકાણે આવી, ઈન્સ્ટા પર માફી માંગતી રીલ મૂકી

જૂનાગઢના હિરેન બુહાએ ચિક્કાર પીધા પછી વરાછામાં બે બાઈકને ટક્કર મારી હતી. જે બાદ કારમાંથી દારૂની બોટલ મળતા લોકોએ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Jan 2026 07:32 PM (IST)Updated: Tue, 27 Jan 2026 07:32 PM (IST)
surat-crime-news-social-media-influencer-hiren-buha-admits-mistake-after-injuring-bikers-in-surat
HIGHLIGHTS
  • ક્યારેય જિંદગીમાં આવી ભૂલ ના થાય, તેનું હું ધ્યાન રાખીશ

Surat: થોડા દિવસ પહેલા શહેરના વરાછા વિસ્તારમાં નશામાં ધૂત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે પોતાની કાર પુરપાટ હંકારીને અકસ્માત સર્જ્યો હતો. જે બાદ લોકોએ તેને બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસની કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને કાયદાનું ભાન થયું હોય તેમ તેણે પોતાના ઈન્સ્ટા પ્લેટફોર્મ પર એક વીડિયો મૂકીને ભૂલ સ્વીકારી છે.

નશામાં ધૂત થઈને કારથી બે બાઈક ચાલકને ઉલાળ્યા
મૂળ જૂનાગઢના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હિરેન હકા બુહા (28)એ ગત ગુરુવારની રાતે સુરતના મોટા વરાછામાં નશામાં ધૂત થઈને પોતાની કારથી બે બાઈક ચાલકને ટક્કર મારી હતી. જે બાદ ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા, જેમને હિરેનની કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.

આથી રોષે ભરાયેલા ટોળાએ હિરેનને કારમાંથી બહાર કાઢીને ફટકાર્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત બાઈક ચાલકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ઉત્રાણ પોલીસે ફરિયાદી બનીને હિરેન બુહા વિરુદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધીને કાર અને દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મને માફ કરજો, હવે જિંદગીમાં ક્યારેય મારાથી આવી ભૂલ નહીં થાય
પોલીસે કાયદાનો પાઠ ભણાવતા લાઈન પર આવી ગયેલા હિરેન બુહાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો મૂક્યો છે. જેમાં તે કહી રહ્યું છે કે, તાજેતરમાં જ સુરતની અંદર મારી ગાડી અથડાઈ હતી. હું સ્વીકારું છું કે, તે મારી ભૂલ હતી.

હવે હું ધ્યાન રાખીશ કે, જિંદગીમાં ક્યારેય મારાથી આવી ભૂલ ફરીથી નહીં થાય. હું સમાજને એક સંદેશ આપવા માંગું છું કે, મારાથી થતાં આવી ભૂલ થઈ ગઈ છે, પરંતુ તમે ક્યારેય ડ્રિન્ક કરીને ડ્રાઈવ ના કરતા. મારી ભૂલ થઈ ગઈ છે, તે બદલ મને માફ કરજો.