પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ બાદ હવે 'હાજી રમકડું'નું નામ પણ મતદાર યાદીમાંથી હટાવવાની હીલચાલ, ભાજપ કોર્પોરેટરે ફોર્મ 7 ભર્યું

હાજીભાઈ રાઠોડનું નામ શંકાસ્પદ લાગે છે. તેમના નામ પર અન્ય કોઈ મતદાર વોટ ના આપી જાય તે માટે આધાર કાર્ડ અને મતદાર કાર્ડમાં સરખુ નામ આવે તે માટે ફોર્મ ભર્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Jan 2026 06:46 PM (IST)Updated: Tue, 27 Jan 2026 06:47 PM (IST)
junagadh-news-haji-ramakdu-name-remove-from-voter-list-bjp-corporator-fill-form-7
HIGHLIGHTS
  • હું 60 વર્ષથી જૂનાગઢમાં રહું છું, મારા નામ સામે જ શું કામ વાંધો પડ્યો?- હાજી રમકડું

Junagadh: હાલ ગુજરાતમાં ચાલી રહેલ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ના કાર્યક્રમ હેઠળ વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી રદ્દ કરવામાં માટે ફોર્મ નંબર 07 ભરાયું હતું. જેને લઈને કોંગ્રેસ દ્વારા સરકાર પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. એવામાં હવે હાજી કાસમ ઉર્ફે હાજી રમકડુંના નામને પણ મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ભાજપના કોર્પોરેટર દ્વારા અરજી કરવામાં આવી
હકીકતમાં 'હાજી રમકડું'નું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ભાજપના સ્થાનિક કોર્પોરેટર સંજય મણવર દ્વારા અરજી કરવામાં આવી છે.

જેને લઈને જૂનાગઢ વોર્ડ 7ના કોર્પોરેટરનું કહેવું છે કે, હાજીભાઈ જૂનાગઢનું જ નહીં, પરંતુ સમગ્ર દેશનું ગૌરવ ગણાય છે. મને હાજીભાઈ સાથે વ્યક્તિગત વાંધો નથી. જો કે હાજીભાઈના આધારકાર્ડમાં મીર અટક છે. તેઓ હાજી કાસમ મીર તરીકે જ ઓળખાય છે. જ્યારે તેમના વિસ્તારમાં હાજીભાઈ રાઠોડનું નામ શંકાસ્પદ લાગે છે. આથી હાજીભાઈના નામ પર અન્ય કોઈ મતદાર મતદાન ના કરે તે માટે તેમના આધારકાર્ડ અને મતદાર કાર્ડમાં એકસમાન નામ આવે તે માટે ફોર્મ 7એ ભર્યું છે.

મારામાં નામ સામે કેમ વાંધા અરજી કરવી પડી?
મતદાર યાદીમાંથી પોતાનું નામ રદ્દ કરવા માટે ફોર્મ ભરવામાં આવ્યું હોવાની જાણ થતાં હાજી રમકડુંએ પણ સવાલ ઉઠાવતા જણાવ્યું કે, હું છેલ્લા 60 વર્ષથી જૂનાગઢમાં રહું છું. મને ગુજરાત જ નહીં ભારત સરકારે પણ એવોર્ડ આપ્યા છે. એવામાં મારા નામ સામે વાંધા અરજી કેમ કરવી પડી?

બીજી તરફ જૂનાગઢ મનપામાં વિપક્ષ વેતા લલિત પણસારાએ 'હાજી રમકડું'નું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાને લઈને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણા્યું કે, આ સમગ્ર પ્રક્રિયા ભાજપના ઈશારે થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

જણાવી દઈએ કે, પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા 131 જેટલા પદ્મશ્રી વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જૂનાગઢના હાજી રમકડુંનું નામ પણ સામેલ હતુ.

ચૂંટણી પંચના નિયમ પ્રમાણે, ફોર્મ 07 કોઈ વ્યક્તિના નામ સામે વાંધો ઉઠાવવા કે તેનું નામ કમી કરાવવા માટે વાપરવામાં આવે છે. અગાઉ પદ્મશ્રી એવોર્ડ વિજેતા શાહબુદ્દીન રાઠોડનું નામ પણ હટાવવા માટે ફોર્મ ભરવામાં આવ્યું હતુ. જેના કારણે કોંગ્રેસે ચૂંટણી પંચની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા.