Surat: સુરતના ઉધના વિસ્તારમાં મામાએ ભાણેજની ઘાતકી હત્યા કરી હોવાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. સિલાઈ મશીનના ધંધાના હિસાબ બાબતે મામાએ ભાણેજને મોતને ઘાટ ઉતારી તેની લાશના ટૂકડા કરીને ખાડીમાં ફેકી દીધા હતા. આ મામલે પોલીસે હત્યારા મામાને ઝડપી પાડ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આમીર મુખ્તાર મોહમ્મદ આલમ (25) પોતાના મામા મોહમ્મદ ઈફ્તેખાર વાજીદ અલી (29) સાથે ઉધના સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહેતો હતો અને મામા સાથે જ સિલાઈ મશીનનું ખાતુ ચલાવતો હતો.
થોડા દિવસ અગાઉ આમીર આલમ ગુમ થઈ જતા ઉધના પોલીસ મથકમાં મિસિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે જ્યારે તેની સાથે રહેતા મામા મોહમ્મદ અલીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે પોતે જ ભાણેજ આમિર અલીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સિલાઈ મશીનના ધંધાના હિસાબ બાબતે આરોપી મામા મોહમ્મદ વાજીદ અલીનો તેના ભાણેજ આમીર આલમ વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે આમીર રૂમમાં સૂતો હતો, ત્યારે આરોપી મામાએ તેને માથામાં હથોડા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એટલું જ નહી આરોપી મામાએ તેની લાશના ટૂકડા કર્યા હતા અને આ ટુકડાને કોથળામાં ભરીને મોપેડ પર ખાડીમાં ફેકી દીધા હતા. આ ઘટનામાં પોલીસે આરોપી મામાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે વિગતો આપતા DCP કાનન દેસાઈએ જણાવ્યું કે, મૂળ બિહારનો વતની આમીર આલમ તેના મામા મોહમ્મદ અલી સાથે ઉધનામાં એક જ મકાનમાં રહેતા હતા. મામા-ભાણેજ છેલ્લા 8-10 વર્ષથી સાથે દુપટ્ટા અને લેંગિસ બનાવવાનું કારખાનું ધરાવી ધંધો કરતા હતા. જો કે છેલ્લા થોડા સમયથી બન્ને વચ્ચે નાણાને લઈને માથાકૂટ ચાલતી હતી.
મામા મોહમ્મદ અલી અલગથી ધંધો કરવા માંગતા હોવાથી તેમણે ભાણીયા આમીરને બાકીનો હિસાબ આપની દેવા તેમજ ખાતાના મશીનો પણ અલગથી આપી દેવા જણાવ્યું હતુ. જો કે ભાણેજ આમીર અલીએ દિવાળી બાદ હિસાબ કરીશું કહેતા મામા ક્રોધિત થઈ ગયા હતા.
હત્યારા મોહમ્મદ અલીએ એક મહિનાથી ભાણેજનો કાંટો કાઢવા માટે કાવતરું ઘડ્યું હતુ. જે બાદ ગત 6 ઓક્ટોબરના રોજ બન્ને એક જ રૂમમાં રહેતા હોય ભાણેજ સૂઈ ગયો, ત્યારે મામાએ હથોડાના ફટકા મારીને તેની હત્યા કરી દીધી હતી. જે બાદ ધારદાર છરા વડે લાશના ટૂકડા કરીને કોથળામાં ભરીને તેનો નિકાલ કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.
હાલ તો પોલીસે આ સમગ્ર મામલે હત્યારા મામાને ઝડપી પાડ્યો છે અને હથિયાર પણ કબજે લીધું છે. ફાયર વિભાગ દ્વારા ખાડીમાં પણ મૃતદેહના પુરાવા મેળવવા તલાસી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે, હત્યારાએ ગુનાને અંજામ આપતા પહેલા ઘણું બધુ સર્ચ કર્યું હતુ. જેમાં હત્યા કેવી રીતે કરી શકાય, પોલીસથી કેવી રીતે બચી શકાય, પુરાવાનો નાશ કેવી રીતે કરવો વગેરે બાબતે તે છેલ્લા એક મહિનાથી સર્ચ કરતો હતો. આખરે તેણે ભાણેજની હત્યા કરી હતી.
