સુરતમાં TV સીરિયલને ટક્કર મારે તેવો કિસ્સોઃ વીમો પકવવા માટે મિત્રને મોતને ઘાટ ઉતારી પોતાની હત્યા થઈ હોવાનું તરકટ રચ્યું

'સસુરાલ સિમરકા' સીરિયલમાં પોતાની જ હત્યાનું કાવતરું ઘડીને વીમો પૉલિસી પકવવામાં આવતી જોઈને પોતે પણ પ્લાન બનાવ્યો હતો. પોલીસે મૃતક, તેની પત્ની સહિત 3ને ઝડપ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 22 Jul 2025 09:31 PM (IST)Updated: Tue, 22 Jul 2025 09:31 PM (IST)
surat-crime-news-man-killed-his-friend-to-get-rs-2-lakh-insurance-policy
HIGHLIGHTS
  • ઓળખ ના થાય, તે માટે ટ્રકથી મિત્રનું મોઢું છૂંદી નાંખ્યું
  • શંકા જતાં પોલીસ તપાસમાં મૃત મનાતો યુવક જીવતો નીકળ્યો

Surat: અત્યાર સુધી સીરીયલ અને ફિલ્મમાં જોવા મળતો કિસ્સા જેવો બનાવ સુરતમાં હકીકતમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ટ્રક હેઠળ કચડાઈને મોતને ભેટેલો યુવક પોલીસ તપાસમાં જીવંત હોવાનું માલૂમ પડ્યું હતુ. જેની પૂછપરછમાં તેણે વીમો પકવવા માટે પોતાના જ મિત્રની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ મામલે પોલીસે યુવક, તેની પત્ની અને મિત્રની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો?
હકીકતમાં ગત 14 જુલાઈના રોજ સણીયાથી ખંભાસલા ગામ તરફ જવાના રોડ પર આવેલી જનકભાઈની વાડી નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં અજાણ્યા વાહને ટક્કર મારીને અડફેટે લેતા યુવકનું મોંઢું છૂંદાઈ જતાં તેનું મોત નીપજ્યું હતુ. પોલીસ તપાસમાં યુવકની ઓળખ કામરેજમાં રહેતા શિવકુમાર ઉર્ફે મહારાજ મિશ્રા (39) તરીકે થઈ હતી. આ મામલે સચિન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

પોલીસને શંકા ઉપજી અને ભેદ ઉકેલાયો
આ કેસની તપાસ કરી રહેલી સચિન પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. જો કે બનાવવાળી જગ્યા સૂમસામ હતી, તેમજ આ જગ્યાએ કોઈ વાહન કે વ્યક્તિ ચાલતો પસાર થયો હોય, તેમ લાગતુ નહતુ.આથી પોલીસને શંકા ઉપજતાં આસપાસના CCTV ફૂટેજ ચકાસ્યા હતા.

આ દરમિયાન વાહન કંઈ દિશામાંથી આવ્યું, તેના ટ્રેક પરના કેમેરા ચેક કરતાં મૃતક યુવક પાંડેસરાના વડોદમાં બનાવની આગલી રાતે અન્ય એક ઈસમ સાથે એક્ટિવા પર જોવા મળ્યો હતો.

પોલીસની ટીમે અન્ય CCTV ફૂટેજ ચકાસતા કડોદરા-બારડોલી રોડ ઉપર આવેલ પેટ્રોલપંપના કેમેરામાં મૃતકનું એક્ટિવા અને ટ્રકની શંકાસ્પદ ગતિવિધિ જણાઈ હતી. જ્યાં મૃતક ટ્રકમાં ડીઝલ ભરાવીને એક અજાણ્યા ઇસમને ટ્રકમાં બેસાડી રવાના થતો હોવાનો દેખાયો હતો.

આ બાબતે મૃતકની પત્નીને પૂછતાં તેણે પોતાનો પતિ એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યો હતો અને તેની પાસે બે સિમ વાળો મોબાઈલ હોવાનું જણાવ્યું હતુ. આથી પોલીસ દ્વારા મિસિંગ સિમનો મોબાઈલ નંબર મેળવ્યો હતો અને ટ્રકમાં GPS હોવાનું સામે આવ્યું હતુ.

બીજી તરફ મૃતકની પત્ની વારંવાર મારા પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. તેમની બે લાખ રૂપિયાની LIC પૉલિસીની રકમ મને ક્યારે મળશે? તેવા સવાલ કરતી હતી. આથી પોલીસની શંકા વધુ દ્રઢ બની હતી. પોલીસે ટ્રકમાં લાગેલ GPS ટ્રેક કરતાં અને મિસિંગ સિમની કોલ ડીટેલ તપાસ કરતાં તે નંબર પરથી મહારાષ્ટ્રના પૂણે ખાતે રહેતા મોનુ ગૌતમ સાથે વાતચીત થઈ હોવાનું જણાઈ આવ્યું હતુ. આથી પોલીસની એક ટીમ પૂણે જઈને તપાસ કરતાં મૃતક માનવામાં આવતો શિવકુમાર ઉર્ફે મહારાજ મિશ્રા જીવતો મળી આવ્યો હતો.

'સસુરાલ સિમરકા' સીરિયલ જોઈને કાવતરું ઘડ્યું
આથી પોલીસ શિવકુમારને સુરત લાવી હતી. જ્યાં તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, પોતાના માથે દેવું થઈ ગયું હતુ. તેણે ટીવીમાં સસુરાલ સિમરકા નામની સીરિયલ જોઈ હતી. જેમાં એક એક મહિલાને જીવતી હોવા છતાં મૃત જાહેર કરીને વીમા પોલિસી પકાવવામાં આવી હતી. આથી પોતે પણ પોતાની 2 લાખ રૂપિયાની પૉલિસી પકવવા માટે પ્લાનિંગ કર્યું હતુ.

આ માટે તેણે પોતાના 10 વર્ષ જૂના મિત્ર દેવીપ્રસાદ પાલ (45)ને દારૂ પીવડાવી રોડ પર સૂવડાવી પોતાની ટ્રક નીચે ચગદી નાંખ્યો હતો. દેવીપ્રસાદની ઓળખ ના થઈ શકે, તે માટે ટાયરથી તેનું મોંઢુ છૂંદી નાંખ્યું હતુ.

આ ઘટનામાં પોલીસે આરોપી શિવકુમાર ઉર્ફે મહારાજ રામ નારાયણ મિશ્રા [ઉ.૩૯] તેની પત્ની મીના દેવી અને મિત્ર મોનું ચંદ્રબલી ગૌતમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટનામાં ખરેખર જેનું મૃત્યુ થયું છે, તેના ઘરવાળાઓનું DNA ટેસ્ટ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આરોપીઓને સજા મળે તે મુજબ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે તેની પત્ની પાછળથી સામેલ થઇ કે પહેલથી સામેલ હતી અને અન્ય કોઈ સામેલ છે કે કેમ? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.