પરેશ ગોસ્વામીની આગાહીઃ ગુજરાતમાં 25 જુલાઈ સુધી વરાપ, 26મીથી વરસાદનો વધુ એક રાઉન્ડ મધ્ય-ઉત્તર ગુજરાતને ઘમરોળશે

3 દિવસ વરાપના માહોલ વચ્ચે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદના ઝાપટાં પડશે. જ્યારે પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં હળવા વરસાદની વકી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 22 Jul 2025 08:51 PM (IST)Updated: Tue, 22 Jul 2025 08:51 PM (IST)
paresh-goswami-ni-agahi-rain-round-from-26th-to-31st-july-across-madhya-and-uttar-gujarat

Paresh Goswami Ni Agahi: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયાને દોઢ મહિના જેટલો સમય થવા આવ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 54 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર જરૂર ઘટ્યું છે અને છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

આગામી 3 દિવસ ગુજરાતમાં વરાપનો માહોલ રહેશે
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, 25 જુલાઈ સુધી એટલે કે આવનારા 3 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદના ઝાપટા નોંધાઈ શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છ જિલ્લાના પાકિસ્તાન સરહદને અડીને આવેલા ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રનું વાતાવરણ મોટાભાગે સૂકૂ જ રહેશે.

26 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ
હાલમાં અરબ સાગરમાં કોઈ વરસાદી સિસ્ટમ બનવાની કોઈ શક્યતા નથી દેખાતી, જો કે બંગાળની ખાડીમાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે. જેનો 70 ટકા ભાગ દરિયામાં જ્યારે 30 ટકા ભાગ જમીન પર આવી ગયો છે. જે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ સિસ્ટમ આગળ જતાં લો પ્રેશરને કેટેગરીમાં આગામી 26 જુલાઈની રીતે અથવા 27 જુલાઈએ સવારે ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા છે.

આથી 26 જુલાઈથી ગુજરાતના મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા છોટા ઉદેપુર અને દાહોદથી વરસાદની શરૂઆત થશે. જે ધીમે-ધીમે સમગ્ર ગુજરાતને આવરી લેશે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે.

અત્યારે જે ટ્રેક પર સિસ્ટમ આગળ વધી રહી છે, તેને જોતા મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા તમામ જિલ્લા ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણમાં 26 થી 31 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. આ દરમિયાન કેટલાક ભાગોમાં 2 થી 10 ઈંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે.