Surat News: કલેક્ટર તેજસ પરમારે કરી ડિજિટલ ‘સ્વ-વસ્તી ગણતરી’: નાગરિકોને ઓનલાઈન વિગતો નોંધાવવા કરી અપીલ

કલેક્ટર તેજસ પરમારે 'સ્વ વસતી ગણતરી - 2027' અંતર્ગત ઓનલાઈન વિગતો ભરી ડિજિટલ અભિયાનમાં ભાગ લીધો. ગુજરાતમાં 31 મે સુધી ચાલશે ઓનલાઈન સેન્સસ પ્રક્રિયા. જાણો વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 20 May 2026 10:19 PM (IST)Updated: Wed, 20 May 2026 10:19 PM (IST)
surat-collector-tejas-parmar-digital-self-census-2027-online-gujarati-news

Surat News: ભારત સરકાર દ્વારા દેશના ભાવી વિકાસ અને સચોટ આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ‘સ્વ વસતી ગણતરી - 2027’ (Self Census 2027) અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ રાષ્ટ્રીય અભિયાનના ચોથા દિવસે સુરતના જિલ્લા કલેક્ટર તેજસ પરમારે કલેક્ટર કચેરી ખાતેથી સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર પોતાના પરિવારની વિગતો સબમિટ કરીને ડિજિટલ 'સ્વ-ગણતરી' (Digital Self Enumeration) પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવી છે.

કલેક્ટરે પોતે આ ઓનલાઈન ફોર્મ ભરીને સુરત જિલ્લાના તમામ નાગરિકોને આ ટેકનોલોજી આધારિત અભિયાનમાં જોડાવા અને દેશના વિકાસના પાયામાં પોતાનું યોગદાન આપવા પ્રેરણાત્મક અનુરોધ કર્યો છે.

વસ્તી ગણતરી દેશના વિકાસનો મજબૂત પાયો: કલેક્ટર તેજસ પરમાર

આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે- વસ્તી ગણતરી એ માત્ર એક સરકારી કે વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ તે દેશના ભવિષ્યના વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે. આ આંકડાઓના આધારે જ આગામી સમયમાં શિક્ષણ, આરોગ્ય, આવાસ અને રોજગાર જેવી પાયાની સુવિધાઓ માટેની સરકારી નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓનું આયોજન કરવામાં આવે છે.

naidunia_image

ગુજરાતમાં 31 મે સુધી ચાલશે ‘સ્વ-ગણતરી’ અભિયાન

ગુજરાત રાજ્યમાં 17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન આ ઓનલાઈન ‘સ્વ-ગણતરી’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સુવિધા અંતર્ગત નાગરિકો સરકારી પ્રતિનિધિની રાહ જોયા વિના, પોતાના ઘરે બેઠા જ લેપટોપ, ડેસ્કટોપ કે સ્માર્ટફોનની મદદથી ખૂબ જ સરળતાથી અને સુરક્ષિત રીતે પોતાની વિગતો ઓનલાઈન પોર્ટલ પર અપડેટ કરી શકે છે. કલેક્ટરે ઉમેર્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા અત્યંત સરળ, ડિજિટલ અને યુઝર-ફ્રેન્ડલી છે.

1 જૂનથી શરૂ થશે પ્રથમ તબક્કો: ગણતરી કરનારાઓ ઘરે-ઘરે જશે

ઓનલાઈન સ્વ-ગણતરી બાદ આગામી 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો ઓફલાઈન શરૂ થશે. આ સમયગાળા દરમિયાન ગણતરીદારો (Census Enumerators) દરેક નાગરિકના ઘરે-ઘરે જઈને કુલ 33 મહત્વના મુદ્દાઓ પર આધારિત માહિતી એકત્રિત કરશે.

મહત્વની સૂચના: જે નાગરિકોએ 31 મે સુધીમાં ઓનલાઈન માધ્યમથી પોતાની 'સ્વ-ગણતરી' પૂર્ણ કરી લીધી હશે, તેમણે પોતાના ઘરે આવનાર ગણતરીદારને માત્ર ઓનલાઈન જનરેટ થયેલો 'રેફરન્સ આઈડી' (Reference ID) આપવાનો રહેશે, જેથી તેમની પ્રક્રિયા ત્યાં જ પૂર્ણ થઈ જશે.

કોઈ પણ મૂંઝવણ માટે ટોલ-ફ્રી નંબર જાહેર

જો કોઈ નાગરિકને ઓનલાઈન ડિજિટલ પોર્ટલ પર વિગતો ભરવામાં કે વસ્તી ગણતરી સંબંધિત કોઈ પણ ટેકનિકલ સમસ્યા અથવા મૂંઝવણ હોય, તો ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ટોલ ફ્રી નંબર 1855 પર સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

સુરત જિલ્લા પ્રશાસન દ્વારા તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારના નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સમયસર આ ડિજિટલ ઝુંબેશનો લાભ લે અને રાષ્ટ્રનિર્માણના આ મહાઅભિયાનમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવે.