Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલ માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ પાડોશી રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે વરદાન સાબિત થઈ રહી છે. થાપાનો ગોળો સૂકાઈ જવાની ગંભીર બીમારીથી પીડાતા મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મોહાડી ગામના ખેડૂતની અતિ જટિલ થાપાના ગોળાની રિપ્લેસમેન્ટ સર્જરી નવી સિવિલ હોસ્પિટલના કુશળ તબીબોએ વિનામૂલ્યે સફળતાપૂર્વક પાર પાડીને દર્દીને અસહ્ય પીડામાંથી મુક્ત કરાવ્યા હતા.
મહારાષ્ટ્રના 46 વર્ષીય ખેડૂત ગજાનંદ હરિ સરતાલે કપાસ, મકાઈ અને ચણાની ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2019માં તેમને ડાબા થાપામાં તકલીફ થતાં મુંબઈ, નાસિક અને પુણે જેવા મોટા શહેરોમાં સારવાર લઈ ઓપરેશન કરાવ્યું હતું.
જે બાદ અચાનક તેમને જમણા થાપામાં અસહ્ય દુ:ખાવો શરૂ થયો હતો. તપાસ દરમિયાન તેમને Avascular Necrosis of Hip (થાપાનો ગોળો સૂકાઈ જવાની ગંભીર બીમારી) હોવાનું નિદાન થયું હતું, જેમાં જમણા થાપાનો ગોળો 60 થી 70 ટકા સુધી ખરાબ થઈ ગયો હતો.
મોહાડી ગામના અગ્રણીઓ રામ પાટીલ અને ભાવિની પટેલની સલાહ મેળવી તેઓ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. નવી સિવિલના તબીબી અધિક્ષક ડૉ. પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગની કુશળ ટીમે સફળ સર્જરી કરી દર્દીને સ્વસ્થ કર્યા છે.
સિવિલના ઓર્થોપેડિક વિભાગના યુનિટ હેડ ડૉ. મનીષ પટેલ, સિનિયર રેસિડેન્ટ ડૉ. અહેસાન અલી અને ડૉ. મિહિર પરડવાની ટીમે દોઢ કલાક સુધી જટિલ સર્જરી કરી ગોળાનું રિપ્લેસમેન્ટ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. વોર્ડના હેડ નર્સ, ઓપરેશન થિયેટરના હેડ નર્સ, સફાઈ કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો. સંજય પરમાર અને બિપીનભાઈએ નવી સિવિલ અને દર્દી સાથે સંકલન કર્યું હતું.
સુરત નવી સિવિલમાં દર મહિને 20થી વધુ હીપ રિપ્લેસમેન્ટના સફળ ઑપરેશન
ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. હરિ મેનને જણાવ્યું કે, નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં નિયમિતપણે દર મહિને 20 થી 25 હીપ રિપ્લેસમેન્ટના સફળ ઓપરેશનો કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની સર્જરી માટે અઢીથી ત્રણ લાખ રૂપિયા જેટલો માતબર ખર્ચ થતો હોય છે, જે ગજાનંદભાઈ જેવા સામાન્ય ખેડૂત માટે વહન કરવો અશક્ય હતો, પરંતુ સુરત નવી સિવિલમાં આ સર્જરી વિનામૂલ્યે થઈ છે.
ગજાનંદ હરિ સરતાલેએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, સુરત સિવિલમાં ખાનગી હોસ્પિટલમાં ન થાય તેવી સારવાર અને સેવા અહીંના તબીબી-નર્સિંગ સ્ટાફ દ્વારા અહીં કરવામાં આવી છે, જે બદલ ગુજરાત સરકાર અને સિવિલ તંત્રનો દિલથી આભાર માનું છું.
