સુરતના ટેક્સટાઇલ વેપારીને હાઇકોર્ટથી રાહત, ભગવાન બુદ્ધની છબીવાળી સાડી કેસમાં ફરિયાદ રદ

વેપારીના વકીલ દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરાઇ હતી કે, અરજદાર સુરતના જાણીતા વેપારી તથા ટ્રેન્ડ અનુસાર કાપડ ખરીદીને વેચાણ કરે છે. ધાર્મિક લાગણીઓ દુભાય તેવા પ્રકારના ઇરાદાપૂર્વકનો તેમનો કોઇ આશય ન હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Oct 2026 05:07 PM (IST)Updated: Thu, 08 Oct 2026 05:07 PM (IST)
gujarat-high-court-quashes-complaint-against-surat-textile-trader-over-buddhaimage-sarees

Ahmedabad News: સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017માં એક ટેક્સટાઇલ વેપારી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભરત હરજીભાઈ શંકર નામના ટેક્સટાઇલ વેપારી દ્વારા ભગવાન બુદ્ધની છબીવાળી સાડીઓ અને કાપડનું વેચાણ કરીને બૌદ્ધ સમાજની ધામિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાડીની બોર્ડર અને કાપડના નીચલા ભાગે જ્યાં પગ આવતા હોય છે ત્યાં આ છબીઓ છપાઇ હોવાનો આક્ષેપ હતો. આ ફરિયાદ રદ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ભગવાનની છબી કે ધાર્મિક પ્રતિકવાળા કાપડનું વેચાણ બદઈરાદો દર્શાવતું નથી. તેથી વેપારી સામે કરવામાં આવેલી ફરિયાદ રદ કરવામાં આવે છે.

શું હતો સમગ્ર મામલો

19 ડિસેમ્બર 2017ના રોજ સમસ્ત યુવા આંબેડકરી સમાજના પ્રમુખ કુણાલ સોનવણે દ્વારા સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમણે ટેક્સટાઇલ માર્કેટમાં ભગવાન બુદ્ધના ફોટોવાળી સાડીઓ તથા કાપડનું વેચાણ કરીને બૌદ્ધ સમાજની ધાર્મિક લાગણી દુભાવવામાં આવી હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પાલવના ભાગે ભગવાન બુદ્ધની છબીવાળા કાપડનું વેચાણ વિવિધ દુકાનો દ્વારા કરવામાં આવતું હોવાથી ધાર્મિક દેવતાઓનું અપમાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

યુવા આંબેડકરી સમાજના પ્રમુખને સમાજના આગેવાનો પાસેથી જાણવા મળ્યું હતું કે, ભગવાન બુદ્ધની છબીવાળી સાડીઓ ટેક્સટાઇલ માર્કેટમાં વેચાઇ રહી છે. આગેવાનોએ સ્થળ તપાસ કરી હતી. જેમાં તેમને માલૂમ પડ્યું હતું કે, છબીને એવી રીતે પ્રિન્ટ કરવામાં આવી હતી કે, જેથી તેઓ પગમાં આવે. જેના પગલે બૌદ્ધ સમાજમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ મામલે 21 ડિસેમ્બર 2017ના રોજ પોલીસ દ્વારા ચાર વેપારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમની સામે ગુનો દાખલ તેમાં વણકર ટેક્ષટાઇલ માર્કેટના ભરત હરજીભાઈ શંકર, સુરત ટેક્ષટાઇલ માર્કેટના રવિ સુરેશભાઇ જૈન, આનંદ ટેક્ષટાઇલ માર્કેટના પ્રકાશ શેખરચંદ શાણી તથા રાધા ક્રિષ્ણા ટેક્ષટાઇલ માર્કેટના દુકાનદાર છે.

વેપારીઓ સામે થયેલી ફરિયાદ મામલે વણકર ટેક્ષટાઇલ માર્કેટના ભરત શંકર દ્વારા હાઇકોર્ટમાં આ ફરિયાદ રદ કરવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી. વેપારીના વકીલ દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરાઇ હતી કે, અરજદાર સુરતના જાણીતા વેપારી તથા ટ્રેન્ડ અનુસાર કાપડ ખરીદીને વેચાણ કરે છે. ધાર્મિક લાગણીઓ દુભાય તેવા પ્રકારના ઇરાદાપૂર્વકનો તેમનો કોઇ આશય ન હતો. બિઝનેસની હરિફાઇ અને વેપારી સ્પર્ધાના કારણે દબાણ લાવવાના હેતુથી આ ખોટી ફરિયાદ કરવામાં આવી હતી.

આ મામલે હાઇકોર્ટે નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના જાણીતા ચુકાદાઓ પ્રમાણે કલમ 295A હેઠળ ત્યારે જ ગુનો બને છે જ્યારે સમાજમાં અશાંતિ ફેલાવવાનો અને ધાર્મિક લાગણી દુભાવવાનો ઇરાદાપૂર્વકનો આશય હોય. ધાર્મિક પ્રતિક કે ભગવાનની છબી ધરાવતા કાપડનું સામાન્ય વેચાણ કરવું એ કોઇ બદઇરાદો દર્શાવતું નથી. પોલીસ રિપોર્ટ અને રેકર્ડ પરની તસવીરો જોતા એવું ક્યાંય પૂરવાર થતું નથી કે અરજદાર દ્વારા કોઇ ધર્મની લાગણી દુભાવવા કે અપમાન કરવા માટે આ કૃત્ય કર્યું હોય. કલમ 295A હેઠળ ગુનો નોંધાય તેવા ઘટકો અહીં બનતા નથી. હાઇકોર્ટ દ્વારા અરજદારની અરજીને ગ્રાહ્ય રાખીને કેસ સંબંધિત તમામ કાનુની કાર્યવાહી રદ કરી છે.