Surat Accident: સુરતમાં કારમાં પાછળ બેઠેલી મહિલાએ અચાનક દરવાજો ખોલ્યો અને પાછળથી આવતા મોપેડ ચાલક કારના દરવાજા સાથે અથડાઈને રોટ પર પટકાયા હતા. મોપેડ ચાલકને માથાના ભાગે ઇજા થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું છે. બીજી તરફ અકસ્માતની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
કારનો દરવાજો ખોલતા મોપેડ ચાલક અથડાયો
મળતી માહિતી મુજબ, સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા રીવર પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 56 વર્ષીય મોહમ્મદ અમીન ઉસ્માન ગની શેખ ગત 25 ઓગસ્ટના રોજ મોપેડ લઈને દુકાને જઈ રહ્યા હતા. તેઓ નાનપુરા રંગઉપવન મલ્ટીલેવલ પાર્કિંગ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ત્યાં ઉભેલી કારમાં પાછળની સીટ પર બેસેલી મહિલાએ અચાનક કારનો દરવાજો ખોલ્યો હતો. કારનો દરવાજો ખોલતા જ મોપેડ કારના દરવાજા સાથે અથડાતા તેઓ રોડ પર પટકાયા હતા.
ઈજાગ્રસ્ત મોપેડ ચાલકનું સારવાર દરમિયાન મોત
રોડ પર પટકાયા બાદ ત્યાં લોકો તાત્કાલિક મદદ માટે આવી પહોચ્યા હતા. મોહમ્મદ અમીન ઉસ્માન ગની શેખને માથાના ભાગે ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. મોહમ્મદ અમીન ઉસ્માન ગની શેખના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે, રંગઉપવન પાસે કાર આવીને ઉભી રહે છે અને થોડીવાર બાદ કારમાં પાછળ બેસેલી મહિલા કારનો દરવાજો ખોલવા જાય છે. ત્યારે ત્યાંથી મોપેડ પર પસાર થતા મોહમ્મદ અમીન ઉસ્માન ગની શેખ કારના દરવાજા સાથે અથડાઈને રોડ પર પટકાય છે.
