Surat News: સુરતમાં ઈન્સ્ટાગ્રામ પર શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને સાયબર ફ્રોડ આચરતી ટોળકીનો શિકાર વધુ એક વેપારી બન્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 49 વર્ષીય કાચના વેપારી સાથે ઇન્સ્ટાગ્રામ જાહેરાત અને વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા 42.99 લાખની સાયબર છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઇન્સ્ટાગ્રામથી રીલ્સ જોતાં વેપારી ફસાયા
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને પાંડેસરામાં કાચનો વ્યવસા કરતાં વેપારી 5 જુલાઈ 2025ના રોજ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા, તે દરમિયાન શેરમાર્કેટમાં રોકાણ પર ગેરંટીડ નફો અને પૂરતું ગાઈડન્સ આપતી એક જાહેરાત આવી હતી. તેમાં આપેલી વ્હોટ્સએપ લિંક પર ક્લિક કરતાં જ તેમને એક ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા.ય
વેપારીનું બનાવટી ડીમેટ એકાઉન્ટ ખોલાયું
આ વ્હોટ્સએપ ગ્રુપની એડમિન રિતિકાસિંહ નામની આઇડીથી વાતચીત કરીને વેપારી પાસે બનાવટી ડીમેટ એકાઉન્ટ ખોલાવાયું હતું. શરુઆતમાં ઓછામાં ઓછું 50 હજાર રોકાણ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ શેર ટ્રેડિંગની ટીપ્સ અને સૂચનાઓ આપીને નફો થઇ રહ્યો હોવાનું જણાવી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. શરુઆતમાં ઠગોએ વેપારીને ટુકડે ટુકડે નાની રકમ વિડ્રો પણ કરવા દીધી હતી. જેથી વેપારીનો વિશ્વાસ વધારે મજબૂત બને.
વેપારી પાસેથી 43.99 લાખનું રોકાણ કરાવ્યું
ત્રણ મહિનાના સમયગાળામાં વેપારી પાસેથી કુલ 43, 98,934નું રોકાણ કરાવવામાં આવ્યું હતું. અને માત્ર એક લાખ રકમ વિડ્રો કરવા દેવામાં આવી હતી, જ્યારે વેપારીએ પોતાની રકમ પાછી ખેચવા માટે રિક્વેસ્ટ સબમીટ કરી તો ઠગ ટોળકીએ વધારાના 11 લાખ ટેક્સ કે ચાર્જ પેટે ભરવા દબાણ કર્યું હતું.
વેપારીએ નફામાંથી જ આ રકમ કાપીને બાકીના નાણાં આપવા વિનંતી કરી હતી, પરંતુ સાયબર ઠગોએ રકમ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. પોતાની સાથે ફ્રોડ થયું હોવાનો અહેસાસ થતાં વેપારીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સુરત સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
