Surat News:સુરતમાં 9.40 લાખની કિમંતનું પ્રતિબંધિત મિક્ષ હેરોઈન ઝડપાયું, બે ઈસમોની ધરપકડ

સુરત શહેરમાં અશ્વિની કુમાર પોલીસની ટીમને બાતમી મળી હતી કે બે ઈસમો માદક પદાર્થના જથ્થા સાથે વરાછા મીની બજાર ઝવેરચંદ મેઘાણી ગાર્ડનની પાછળના ભાગે આવનાર છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 28 Sep 2026 05:35 PM (IST)Updated: Mon, 28 Sep 2026 05:35 PM (IST)
surat-banned-heroin-mixture-worth-rs-940-lakh-seized-in-surat

Surat News:સુરતમાંથી પ્રતિબંધિત મિક્ષ હેરોઈન ઝડપાયું છે. અશ્વિની કુમાર પોલીસે બે ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી 9.40 લાખની કિમંતનું 47 ગ્રામ મીક્ષ હેરોઈન સહીત કુલ 9.65 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં અશ્વિની કુમાર પોલીસની ટીમને બાતમી મળી હતી કે બે ઈસમો માદક પદાર્થના જથ્થા સાથે વરાછા મીની બજાર ઝવેરચંદ મેઘાણી ગાર્ડનની પાછળના ભાગે આવનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ત્યાંથી મૂળ ઉતરપ્રદેશના વતની વિશાલ શ્રીકૃષ્ણ ગૌતમ અને રાજવિંદરસિંહ ઉર્ફે કુલવિંદરસિંહ જસવંતસિંહ વડવા ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 9.40 લાખનું 47 ગ્રામ મીક્ષ હેરોઈન, પ્લાસ્ટિકની ઝીપ બેગ, 2 મોબાઈલ તેમજ ૫ હજાર રોકડા રૂપિયા મળી કુલ 9.65 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસની તપાસમાં ઝડપાયેલા બંને ઈસમો ઉતરપ્રદેશથી એક અજાણ્યા ઇસમ પાસેથી આ હેરોઈન લાવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ મામલે અશ્વિની કુમાર પોલીસે ઝડપાયેલા બંને ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે અશ્વિની કુમાર પોલીસને બાતમી મળી હતી કે બે ઈસમો વરાછા મીની બજાર ઝવેરચંદ મેઘાણી ગાર્ડનની પાછળના ભાગે હેરોઈન જેવો માદક પદાર્થ વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે, બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ હેરોઈન માર્કેટમાં ૨ કરોડ રૂપિયે કિલો વહેચાય છે. હાલ આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.