Gujarat Weather Forecast Today and Tomorrow | આજનું અને આવતીકાલનું હવામાન: ગુજરાતમાં આમ તો છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચોમાસાએ વિદાય લઇ લીધી હોય તેવો જ માહોલ છે. રાજ્યમાં ક્યાંય વરસાદ વરસ્યો નથી. જોકે હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઇ શકે છે. 2 ઓક્ટોબરથી રાજ્યમાં ક્યાંય વરસાદી માહોલ જોવા નહીં મળે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગ અનુસાર, 28 અને 29 સપ્ટેમ્બર 2026નાં રોજ માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે. જેમાં સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, ખેડા, સુરેન્દ્રનગર, કચ્છ સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી.
30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર હળવો વરસાદની શક્યતા
30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર 2026ના રોજ પણ રાજ્યમાં હળવો વરસાદની સંભાવના છે. કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, ખેડા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી.
2થી 4 ઓક્ટોબર સૂકું હવામાન રહેશે
2થી 4 ઓક્ટોબર 2026 દરમિયાન રાજ્યમાં ક્યાંય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં સૂકું હવામાન રહી શકે છે. જેના પગલે રાજ્યમાં ગરમી અને ઉકળાટમાં વધારો જોવા મળી શકે છે.
ગુજરાતમાંથી વિદાય લઇ રહ્યું છે ચોમાસું
ચોમાસાની વિદાય રેખા હાલમાં ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા અને નલિયા થઈને પસાર થઇ રહી છે. ઉત્તર પ્રદેશના ઉપર સર્જાયેલું લો-પ્રેશર હવે નબળું પડી ગયું છે, જોકે પૂર્વ ઉત્તર પ્રદેશ પર હજુ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ એક ટ્રફ સર્જાયો છે, જેની ઊંચાઈ 7.6 કિમી સુધી નોંધાઈ છે. રાજ્યમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
