સુરતમાં જીવલેણ પતંગની દોરીનો કહેર, બાઈક ચાલક યુવકનું ગળું કપાતા લોહીલુહાણ હાલતમાં સિવિલ ખસેડાયો

ઉત્તરાયણ પર્વ પહેલા જ સુરતના અમરોલી વિસ્તારમાં પતંગની જીવલેણ દોરીનો કહેર સામે આવ્યો છે. છાપરાભાઠાથી ઉધના જતા બાઈક ચાલક યુવકના ગળામાં દોરી ફસાતા ગંભીર ઈજા પહોંચી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 22 Nov 2026 11:47 AM (IST)Updated: Sun, 22 Nov 2026 11:47 AM (IST)
surat-amroli-kite-string-cuts-youth-neck-before-uttarayan-shifted-to-new-civil-hospital

Surat News: ઉત્તરાયણ પર્વને હજુ તો ઘણો સમય બાકી છે. ત્યારે સુરતમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા છાપરાભાઠા ખાતે પતંગની દોરી વાગતાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

મળતી માહિતી મુજબ, છાપરાભાઠા વિસ્તારમાં નોકરી પરથી ઘરે જઈ રહેલા સાહિલ રાણા નામના યુવક સાથે આ અકસ્માત સર્જાયો હતો. યુવક બાઈક પર સવાર થઈ છાપરાભાઠાથી ઉધના તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક પતંગની દોરી તેના ગળામાં આવી જતાં ગંભીર ઇજા પહોંચી હતી.

ગળાના ભાગે ગંભીર ઘા વાગતાં યુવક લોહીલુહાણ હાલતમાં આવી ગયો હતો. ઘટનાને પગલે ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા અને 108ની મદદથી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પૂર્વે પતંગની દોરીને કારણે સર્જાયેલી આ ઘટનાએ ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને રસ્તા પર ટુ-વ્હીલર ચલાવતા લોકોએ સાવચેતી રાખવી અને પતંગની દોરીથી બચવા જરૂરી સુરક્ષા પગલાં લેવા અત્યંત જરૂરી બન્યા છે.