Surat News: ઉતરાયણ પર્વને હજુ વાર છે તે પહેલા જ સુરતમાં પતંગની દોરીથી ઈજા થવાના બનાવો સામે આવવા લાગ્યા છે. વધુ એક બનાવ સુરતના ડીંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં પિતા સાથે બાઈક પર નાસ્તો લેવા જતા 13 વર્ષીય બાળકને પતંગની દોરીથી ગાલ પર ઈજા થઇ હતી અને તેને 10 ટાંકા લેવા પડ્યા છે.
મળતી માહિતી મુજબ ડીંડોલી મહાદેવ નગરમાં રહેતા અને કાર ડ્રાઈવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ગીરીશભાઈ રાઠોડ રવિવારે પોતાના 13 વર્ષીય પુત્ર ફેનિલ સાથે બાઈક પર નાસ્તો લેવા જતા હતા અને તેઓ ડીંડોલી માર્ક પોઈન્ટ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક પતંગની દોરી આવી હતી.
આ ઘટનામાં ફેનિલને ગાલના ભાગે ઘસરકો થયો હતો અને તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં જમણા ગાલ પર 10 ટાકા લેવા પડ્યા હતા. વધુમાં ફેનિલ ધો. 9માં અભ્યાસ કરે છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઉતરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી અકસ્માત તેમજ લોકોને ઈજા થવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ઉતરાયણ પર્વને હજુ તો વાર છે તે પહેલા જ આ પ્રકારના બનાવો સામે આવવા લાગ્યા છે. લોકો પણ પુરતી તકેદારી રાખે તે જરૂરી બન્યું છે.
