Surat: બેંગકોકથી સામાનમાં છુપાવી લવાતો 6.5 કરોડનો 6.4 કિલો હાઈબ્રિડ ગાંજો સુરત એરપોર્ટથી ઝડપાયો છે. 30 વેક્યુમ-પેક્ડ પારદર્શક પોલીથીન પેકેટ્સ સાથે જયપુરના બે મુસાફરોની કસ્ટમ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ગતરોજ રાતે બેંગકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ સુરત એરપોર્ટ પર આવી હતી. આ દરમ્યાન મુસાફરોનું કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા રૂટિન ચેકિંગ અને પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું હતું. મુસાફરોએ ચેક-ઇન કરેલા સામાનની તપાસ કરવામાં આવી, ત્યારે સામાનની અંદર ખૂબ જ સાવચેતીપૂર્વક છુપાવેલા 30 વેક્યુમ-પેક્ડ પારદર્શક પોલીથીન પેકેટ્સ મળી આવ્યા હતા.
આ પેકેટ્સમાં લીલા પાંદડા જેવો પદાર્થ ભરેલો હતો. કુલ જથ્થો આશરે 6.4 કિલો અને વેક્યુમ-સીલ્ડ જેથી ગંધ બહાર ન આવે. ડ્રગ ડિટેક્શન કિટ દ્વારા તપાસ કરતા આ પદાર્થ હાઈબ્રિડ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી. જેની બજાર કિંમત અંદાજિત 6.5 કરોડ જેટલી થાય છે.
આ સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ મુજબ તમામ મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં બે મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં આ ગાંજો કોને આપવાનો હતો તે મામલે પણ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુરત એરપોર્ટ પરથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે હાઇબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો હતો.
