Surat: શહેરના રાંદેર વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ યુવક પાસેથી રૂ. 35 લાખની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રાંદેરના રામનગર ચાર રસ્તા નજીક કારનો કાચ તોડીને એક્ટિવા પર આવેલા બે ઈસમો રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના કિમ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ અંકિત નામનો યુવક પોતાના ભાઈની સાથે ફોર્ચ્યુનર કારમાં ભાગડ સ્થિત આંગડિયા પેઢીમાંથી રૂ. 35 લાખ ઉપાડી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન એક બાઈક ચાલક તેમની કાર સાથે અથડાઈને માથાકૂટ કરવા લાગ્યો હતો.
આથી અંકિત અને તેનો ભાઈ કારમાંથી નીચે ઉતર્યા હતા. આ સમયે તેમની નજર ચૂકવીને એક્ટિવા પર આવેલા બે અજાણ્યા ઈસમો ફોર્ચ્યુનર કારનો કાચ તોડીને તેમાં રહેલ પૈસા ભરેલો થેલો લઈને ભાગી છૂટ્યા હતા.
આ બનાવની જાણ થતાં રાંદેર પોલીસ, LCB ઝોન અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં CCTV ફૂટેજમાં બાઈક અને એક્ટિવા ઉપર 4 ઈસમો જોવા મળી રહ્યા છે. હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર થઈ ગયેલા ઈસમોની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
