સુરતમાં ATM કાર્ડ બદલી પૈસા ઉપાડતી ગેંગ પકડાઈ: 100 CCTV કેમેરા ચકાસી અડાજણ પોલીસે 2 આરોપીને દબોચ્યા

સુરતની અડાજણ પોલીસે ATMમાં મદદ કરવાનો ઢોંગ કરી કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી શાતિર ગેંગના 2 આરોપીઓને 100થી વધુ CCTV કેમેરા ચકાસી ઝડપી પાડ્યા છે

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 01 Oct 2026 12:46 PM (IST)Updated: Thu, 01 Oct 2026 12:46 PM (IST)
surat-adajan-police-arrest-2-accused-in-atm-card-swap-fraud-scanning-100-cctv-cameras

Surat News: ATMમાં પૈસા ઉપાડવામાં મદદ કરવાનું કહી ATM કાર્ડ ધારકની નજર ચૂકવી કાર્ડની અદલા બદલી કરી પૈસા ઉપાડી લેતા બે આરોપીઓને સુરતની અડાજણ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

આરોપીઓની મોડેસ ઓપરેન્ડી

સુરતમાં ATMમાં પૈસા ઉપાડવામાં મદદ કરવાનું કહી એટીએમ કાર્ડની અદલા બદલી કરી રૂપિયા ઉપાડી લેતા બે આરોપીઓને પકડવામાં અડાજણ પોલીસે સફળતા મેળવી છે. અડાજણ વિસ્તારમાં બનેલી ઘટનાઓને ગંભીરતાથી લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો, આરોપીઓને પકડવા માટે પોલીસે 100થી વધુ CCTV કેમેરાની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓની ઓળખાણ કરીને પકડી લીધા હતા.

પ્રથમ ઘટનામાં શું બન્યું

અડાજણ પોલીસે 24 વર્ષીય અંકિત ઉર્ફે લલ્લા ઉદયબહાદુર યાદવ અને 22 વર્ષીય વિકાસ રામચંદ્ર ગુપ્તાને અટકાયત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 21 હજાર જપ્ત કર્યા હતા. તેમજ આ ઘટનામાં પોલીસે વિકાસ ઉર્ફે નાનુ રાધેશ્યામ તિવારી નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેઓ ગત 12 સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે પોણા સાત વાગ્યાના અરસામાં અડાજણ ગામ ચાર રસ્તા પાસે આવેલા ટાઈટેનિક સ્કેવરમાં આવેલ SBI બેંકના ATMમાં પૈસા ઉપાડવા માટે આવેલા એક ફરિયાદીને પૈસા ઉપાડવામાં મદદ કરવાનું કહી નજર ચૂકવી ATM કાર્ડ બદલી લીધું હતું અને પાસવર્ડ મેળવી 10 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.

અડાજણ પોલીસે 2 આરોપીને ઝડપ્યા

બીજી ઘટનામાં આરોપીએ ગત 27-8-2026ના રોજ અડાજણ વરૂણ સર્કલ પાસે SBI બેંકના ATMમાં પૈસા ઉપાડવા આવેલા એક ફરિયાદીને ટાર્ગેટ કર્યા હતા. આરોપીએ ફરિયાદીને પૈસા ઉપાડવામાં મદદ કરવાનું કહી તેમની નજર ચૂકવી ATM કાર્ડ બદલી લીધું હતું. જે બાદ પાસવર્ડ મેળવી 21 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. આ સમગ્ર મામલે અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ અડાજણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને આખરે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી અંકિત ઉર્ફે લલ્લા ઉદય બહાદુર યાદવ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. તેની સામે અગાઉ પાંડેસરામાં 3 અને ડીંડોલી પોલીસ મથકમાં 1 મળી કુલ 4 ગુના અગાઉ નોંધાયેલા છે. હાલ આ સમગ્ર મામલે અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.