Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા બે મિત્રો રવિવારના રોજ દમણ ખાતે ફરવા આવ્યા હતા, જ્યાં દરિયામાં નહાવા પડેલા એક યુવકનું પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર, કતારગામના રહેવાસી સૌરભ વિશ્વકર્મા અને તેના મિત્ર ઉમેશસિંહ રવિવારે રજાના દિવસે દમણના ફરવા ગયા હતા, દમણ પહોંચ્યા બાદ બંને મિત્રોએ દારૂ પીધો હતો. ત્યારબાદ તેઓ નાની દમણ સી-ફેસ જેટી દરિયાકિનારે બેઠા હતા. અતિશય નશાની હાલતમાં ઉમેશસિંહ દરિયાકિનારે રેતીમાં જ ગાઢ નિદ્રામાં પોઢી ગયો હતો, જ્યારે સૌરભ પોતાના કપડાં ઉતારીને દરિયામાં નહાવા માટે પડ્યો હતો.
આ પણ વાંચો
દરિયામાં નહાવા જતાં ડૂબાયો યુવક
દરિયામાં નહાવા ગયેલો સૌરભ પાણીના અચાનક આવેલા જોરદાર પ્રવાહની ઝપેટમાં આવી ગયો અને ઊંડાણમાં ખેંચાઈને ડૂબવા લાગ્યો હતો. આ ભયાનક દ્રશ્ય કિનારે હાજર એક સ્થાનિક વ્યક્તિએ નજરે જોતાં જ ત્વરિત પગલાં રૂપે દમણ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો, દમણ ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
યુવકની શોધખોળ કરવામાં આવી
પોલીસ અને ફાયર જવાનોએ દરિયામાં સૌરભની સઘન શોધખોળ આરંભી હતી અને સાથે જ કિનારે રેતીમાં સૂતેલા તેના મિત્ર ઉમેશને જગાડીને પૂછપરછ હાથ ધરી હતી. જો કે, દારૂના ભારે નશામાં ધૂત હોવાને કારણે ઉમેશને સૌરભ વિશે કોઈ જ ખબર ન હોવાનું જણાવ્યું હતું. ફાયર વિભાગની ટીમે રવિવારે મોડી સાંજ સુધી અને ત્યારબાદ બીજા દિવસે સોમવારે પણ દરિયામાં ભારે જહેમત સાથે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું.
બે દિવસે યુવકનો મૃતદેહ મળ્યો
જો કે, યુવકનો કોઈ જ પતો લાગ્યો ન હતો. આખરે ઘટનાના બે દિવસ બાદ મંગળવારે સવારે સૌરભનો મૃતદેહ નજીકના દરિયાકિનારેથી જ મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે મૃતદેહનો કબજો મેળવીને આગળની કાનૂની કાર્યવાહી અર્થે પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે.
