Surat Expressway Accident: સુરત જિલ્લામાં કામરેજ નજીક પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ-વે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર ઉભેલા એક ડમ્પરની પાછળ હેરિયર કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં કામરેજ નજીક દીગાસ ગામની સીમમાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. એક ડમ્પરમાં એર પ્રેશરની સમસ્યા ઊભી થવાના કારણે તેને રોડ પર ઊભું રાખ્યું હતું. આ દરમિયાન પાછળથી આવેલી હેરિયર કાર નંબર MH-01-EB-7113 ધડાકાભેર ડમ્પરના પાછળના ભાગે અથડાઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરધાણ વળી ગયો હતો. આ ઘટનામાં કારમાં સવાર 4 લોકોને ગંભીર ઈજા પહોચી હતી અને તેઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે ત્યાં ટ્રાફિકજામ સર્જાયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે.
પોલીસ દ્વારા ચારેય મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ હાઈવે પર ટ્રાફિક હળવો કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, અકસ્માતગ્રસ્ત કારમાં સવાર લોકો મુંબઈથી પાટણના શંખેશ્વર મંદિરે દર્શન કરવા જતા હોવાનું જાણવા મળ્યું છે.
