Surat Civic Polls: સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમ પર છે. તમામ પાર્ટીના ઉમેદવારો પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ બારોટ અત્યારે ચર્ચાના કેન્દ્રમાં છે.
હકીકતમાં સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 1માંથી ચૂંટણીના મેદાનમાં ઉતરેલા આમ આદમી પાર્ટી (AAP) ઉમેદવાર કલ્પેશ બારોટ 60 તોલા સોનું પહેરીને ડૉર ટૂ ડોર પ્રચાર કરી રહ્યા છે.
આ દરમિયાન કલ્પેશ બારોટે પોતાના પર હુમલો થવાની ભીતિને પગલે બાઉન્સરોની ફોજ ઉતારી દીધી છે. કલ્પેશ બારોટ બાઉન્સરોની સુરક્ષાના ઘેરામાં પ્રચાર અર્થે સુરતના રસ્તાઓ પર નીકળતાં સૌ કોઈનું ધ્યાન તેમના તરફ ખેંચાય છે.
AAP ઉમેદવાર ગળામાં જાડી સોનાની ચેન, હાથમાં ભારેખમ બ્રેસલેટ અને વીંટીઓ પહેરીને જનસંપર્ક કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, તેઓ પોતાની સાથે પ્રચારમાં ખાનગી બાઉન્સરોને લઈને ફરી રહ્યા છે.
મારી સુરક્ષા ખાતર બાઉન્સરને સાથે રાખવા પડ્યા
આ અંગે કલ્પેશ બારોટે જણાવ્યું કે, અગાઉ વોર્ડ નંબર-18ના અમારી પાર્ટીના ઉમેદવાર ગૌતમ પટેલના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવાર ઉપર પણ ચૂંટણીમાંથી ખસી જવા માટે દબાણ કરવામાં આવ્યું હતુ. આમ હરીફ પાર્ટીઓ દ્વારા ખરીદ-વેચાણની રાજનીતિ કરવામાં આવી રહી છે, તેના પગલે મારે મારી સુરક્ષા માટે બાઉન્સરને સાથે રાખવા પડી રહ્યા છે. આ બાઉન્સરો મારા પારિવારિક મિત્રો સમાન છે.
