સુરત મનપામાં AAP માત્ર 4 બેઠક પર સમેટાઈ, પૂર્વ વિપક્ષ નેતા પાયલ સાકરિયા બોલ્યા- 'હાર જરૂર થઈ છે, પરંતુ હિંમત અને હોંસલો આજે પણ બુલંદ'

AAP ઘણી પેનલો પર બહુ ઓછા માર્જિનથી હારી છે અને કેટલીક પેનલો તો સત્તા પક્ષના ઓવરઓલ તફાવતમાં જીત મેળવી છે. એટલે સુરતની અંદર વિપક્ષ તરીકેની ભૂમિકામાં આમ આદમી પાર્ટી રહેશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Apr 2026 05:25 PM (IST)Updated: Tue, 28 Apr 2026 05:25 PM (IST)
surat-municipal-corporation-election-results-aap-accepts-defeat-vows-strong-opposition-role
HIGHLIGHTS
  • આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજ સોરઠિયા પણ હાર્યા
  • હારવાનું કારણ કદાચ અમારી મહેનતમાં કચાસ રહી ગઈ હશે, જનતાનો નિર્ણય શિરોમાન્ય

Surat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે, ત્યારે સુરત મહાનગર પાલિકામાં આમ આદમી પાર્ટીના ફાળે માત્ર 4 બેઠકો જ આવી છે, ત્યારે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની પ્રતિક્રિયા સામે આવી છે.

મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, આજે સુરત મહાનગરપાલિકાનું જે પરિણામ આવ્યું છે, સુરતની જનતાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય શિરોમાન્ય છે. અમે આ ચૂંટણીમાં લોકોના મુદ્દાઓ ઉપાડી મુદ્દાની રાજનીતિ કરી અને ભારતીય જનતા પાર્ટી સામે મક્કમતાથી આ ચૂંટણી લડ્યા છીએ. આ ચૂંટણી સમગ્ર વ્યવસ્થાની સામેની ચૂંટણી હતી. આમ છતાંય સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન કર્યું છે.

આમ આદમી પાર્ટી ઘણી બધી પેનલો પર બહુ ઓછા માર્જિનથી હારી છે અને કેટલીક પેનલો તો સત્તા પક્ષના ઓવરઓલ તફાવતમાં જીત મેળવી છે. એટલે સુરતની અંદર વિપક્ષ તરીકેની ભૂમિકામાં આમ આદમી પાર્ટી રહેશે. સુરત સિવાય સમગ્ર ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી પહેલી વખત એટલા મોટા પ્રમાણમાં ચૂંટણી લડી છે. અમે સુરતની જનતાનો આભાર માનીએ છીએ.

હું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને યોદ્ધાઓને અભિનંદન પાઠવું છું, જેમણે આ ચૂંટણી ખૂબ જ ધગસથી અને તડકાની અંદર પણ ખૂબ જ મહેનત કરીને આ લડાઈ લડી છે. તમામ કાર્યકર્તાઓને સૌને અભિનંદન પાઠવું છું. આગામી પાંચ વર્ષ માટે આમ આદમી પાર્ટી સુરતના મુદ્દાઓને ઉઠાવતી રહેશે. આમ આદમી પાર્ટી સુરતના લોકોના અધિકારો માટે લડશે અને સુરતના લોકોની સેવામાં અવિરત રીતે કામ કરતી રહેશે

હાર ભલે થઈ, પણ હિંમત અને હોસલો બુલંદઃ પાયલ સાકરિયા

સુરત મહાનગર પાલિકામાં પૂર્વ વિપક્ષ નેતા રહી ચૂકેલા પાયલ સાકરિયાને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. પાયલ સાકરીયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હારનો સ્વીકાર કરતાં જણાવ્યું છે કે, મારી હાર જરૂર થઈ છે, પરંતુ હિંમત અને હોંસલો આજે પણ બુલંદ છે. આ અંત નથી આતો નવી શરૂઆત છે.

આ સાથે જ તેમણે જીતનાર તમામ ઉમેદવારોને શુભકામના પાઠવતા જણાવ્યું કે, 5 વર્ષ નિષ્ઠાથી પુણાગામના લોકોના કામ કરે એવી શુભકામના. લોકશાહી છે, લોકો જેને મત આપે તે જ વિજેતા બને છે.

હારવાનું કારણ કદાચ અમારી મહેનતમાં કચાસ રહી ગઈ હશે. અમે ફરી પાંચ વર્ષ મહેનત કરી ફરી લોકોની વચ્ચે આવીશું. જનાદેશ સ્વીકારવો પડે. ઘમંડની સામે મજબૂતાઈથી લડવું એજ મોટી વાત છે.