Surat News: સુરતમાં ગણેશ વિસર્જન કરીને ટ્રેક્ટરમાં પરત ફરી રહેલો 18 વર્ષીય યુવકે ટ્રેક્ટર પરથી સંતુલન ગુમાવતા તે નીચે પટકાયો હતો અને યુવકને ગંભીર ઈજાઓ થઇ હતી યુવકને હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો
ગણેશ વિસર્જન વખતે યુવક પટકાયો
મળતી માહિતી મુજબ સુરતના વેસુ વિસ્તારમાં રહેતો 18 વર્ષીય અશ્વિન મૈસુરીયા ડુમસ વિસ્તારમાં ગણપતિ વિસર્જન કરવા ગયો હતો. દરમ્યાન પરત ફરતી વેળાએ ટ્રેકટરમાંથી પગ લપસી જતા કે સંતુલન ગુમાવતા તે ટ્રેક્ટર માંથી નીચે પટકાયો હતો. યુવક નીચે પટકાતા તેને કમર સહિતના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.
સારવાર દરમિયાન મોત થયું
નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. માત્ર 18 વર્ષની નાની વયના પુત્રના અકાળે અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બનાવ અંગેની જાણ થતાં જ ડુમ્મસ પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
