Surat News: સુરતના દેલાડ પાટિયા પાસે રહેતા યુવકે ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ચાર મહિના પહેલા તેની કારનો અકસ્માત થયો હતો અને તેમાં ત્રણ લોકોના મોત થયા હતા. મારાથી ત્રણ લોકોના મરી ગયા છે, એ વાતનું યુવકને સતત મનદુઃખ હતું. 4 મહિના પહેલા થયેલા અકસ્માતથી તણાવમાં રહેતા યુવકે આત્મહત્યા કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના ઓલપાડ તાલુકાના પરીયાગામ સ્થિત દેલાડ પાટિયા પાસે આશિષ વલ્લભભાઈ ફળદુ રહે છે. 38 વર્ષીય આશિષ ફળદુએ પોતાનાજ ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. યુવકે આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
પોલીસે આપઘાત કરવા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આશિષ ફળદુ ચાર મહિના પહેલા પોતાની આઇ-20 કાર લઇને જઇ રહ્યાં હતા. જે દરમિયાન બોરસદ પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માત અંગેનો તેમના પર કેસ પણ થયો હતો. અકસ્માતના પગલે તેઓ સતત તણાવમાં રહેતા હતા અને મારાથી ત્રણ વ્યક્તિ મરી ગઇ છે એ વાતનું તેને દુઃખ હતું. જેથી તેણે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.