Surat: સુરતમાં રખડતા કૂતરાઓના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના ઉન વિસ્તારમાં સોસાયટીના ગેટ નજીક રમી રહેલી બે વર્ષની બાળકી પર 3 ડાઘિયા શ્વાનોએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના CCTVમાં કેદ થઈ ગઈ છે.
આ સમગ્ર ઘટના શહેરના ઉન વિસ્તારમાં આવેલી નુર રેસિડન્સીની છે. અહીં સોસાયટીમાં રહેતી બે વર્ષની બાળકી રમતા-રમતા સોસાયટીના ખુલ્લા ગેટ સુધી પહોંચી ગઈ હતી. આ સમયે બહાર રખડતા ત્રણ જેટલા શ્વાનોની નજર બાળકી પર પડી હતી.
રખડતા કૂતરા દોડતા-દોડતા સોસાયટીના ગેટ નજીક આવ્યા અને બાળકી પર હુમલો કરી દીધો હતો. જે પૈકી એક શ્વાને બાળકના પગે બચકું ભરી લીધુ હતુ. જેના કારણે પીડાથી કણસતી બાળકી રડતા-રડતા સોસાયટીની અંદર આવીને પોતાના ઘરે જતીરહી હતી. આ બાબતની જાણ થતાં પરિવારજનો બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં બાળકીને એન્ટી રેબિસની રસી આપવા સહિતની સારવાર કરવામાં આવી છે.
