Surat News:સ્મીમેર હોસ્પિટલની 25 વર્ષની ઉજવણીનો પ્રારંભ: પ્રથમ દિવસે 2,192 દર્દીઓએ વિનામૂલ્યે સારવારનો લાભ લીધો

આ ઉજવણીના પ્રથમ દિવસે સ્તનપાન-પોષણ જાગૃતિ અને અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 12 Oct 2026 10:58 PM (IST)Updated: Mon, 12 Oct 2026 10:58 PM (IST)
smimer-hospitals-25thanniversary-celebrations-begin-2192-patients-availed-free-treatment-on-the-first-day

Surat News:સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ દ્વારા સ્થાપનાનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. ૧૨થી ૧૭ ઓક્ટોબર દરમિયાન વિવિધ નિઃશુલ્ક નિદાન અને સારવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના પ્રથમ દિવસે સ્તનપાન-પોષણ જાગૃતિ અને અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ નિઃશુલ્ક તપાસ, સારવાર અને માર્ગદર્શનનો લાભ લીધો હતો.

કાર્યક્રમનો પ્રારંભ હોસ્પિટલ કમિટી ચેરમેન અલકાબેન પાટીલ દ્વારા અંબા માતાની આરતી સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હોસ્પિટલના આર.એમ.ઓ., નર્સિંગ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંગદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પદ્મશ્રી ડો. નિલેશ માંડલેવાલાએ હોસ્પિટલના ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે અંગદાન અંગે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સંબંધીઓમાં પણ અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિવિધ વિભાગોમાં નિઃશુલ્ક તપાસ અને માર્ગદર્શન

બાળરોગ વિભાગમાં ૧૨૮ બાળકોની તપાસ કરવામાં આવી હતી અને ૭૮ માતાઓને બાળકના યોગ્ય વિકાસ તથા સ્તનપાનના ફાયદા વિશે સમજ આપવામાં આવી હતી. મેડિસિન વિભાગમાં ૭૧ દર્દીઓની બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ અને મેદસ્વીતા જેવી બીમારીઓ માટે તપાસ કરીને નિઃશુલ્ક સલાહ આપવામાં આવી હતી. ટીબી અને ચેસ્ટ વિભાગમાં ૪૭ દર્દીઓની શ્વાસોચ્છવાસ, ઉધરસ તથા ફેફસાં સંબંધિત સમસ્યાઓ માટે તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સાથે જ તમાકુ અને ધૂમ્રપાનના દુષ્પ્રભાવ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી. માનસિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ૬૭ લોકોને માનસિક તણાવ, ચિંતા અને માનસિક સ્વસ્થતા અંગે નિષ્ણાત તબીબો દ્વારા કાઉન્સેલિંગ સેવા પૂરી પાડવામાં આવી હતી.

સ્મીમેર હોસ્પિટલ દ્વારા તા. ૧૨ ઓક્ટોબરના રોજ કુલ ૨,૧૯૨ દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કુલ રૂ. ૨,૫૯,૭૧૭ની બિલ માફી કરવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલની ૨૫ વર્ષની ઉજવણી અંતર્ગત આગામી તા. ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ નિઃશુલ્ક નિદાન, સારવાર અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજાશે.