SMC ક્લાર્ક પરીક્ષા આપનારાઓ માટે મોટી અપડેટ: આ તારીખે જાહેર થશે OMR અને આન્સર કી, જાણો ક્યારે આવશે રિઝલ્ટ!

સુરત મહાનગરપાલિકા ક્લાર્કની 717 જગ્યાઓ માટે યોજાયેલી પરીક્ષા બાદ OMR આન્સર કી જાહેર થશે. 20 ટકા ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ પણ લખાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 12 Oct 2026 02:28 PM (IST)Updated: Mon, 12 Oct 2026 02:28 PM (IST)
smc-clerk-exam-2026-answer-key-omr-sheet-result-update-surat-municipal-corporation

SMC Clerk Exam 2026: સુરત મહાનગરપાલિકા દ્વારા ગતરોજ રવિવારે ત્રીજી શ્રેણી ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યના ત્રણ શહેર સુરત,અમદાવાદ અને રાજકોટમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 717 જગ્યાઓ માટે યોજાયેલી આ પરીક્ષામાં 1,14,970 ઉમેદવારો પૈકી 39,007 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. 75,963 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. હવે પાલિકા દ્વારા પાંચ દિવસમાં OMR આન્સર કી જાહેર કરવાની કવાયત હાથ ધરાઇ છે. આ સિવાય ક્વોલિફાય ઉમેદવારોની સાથે જ 20 ટકા ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાશે.

SMCની ક્લાસ 3ની પરીક્ષા યોજાઈ હતી

સુરત મહાનગર પાલિકામાં વિવિધ સંવર્ગોની 2500 થી વધુ જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ત્રીજી શ્રેણી ક્લાર્કની 717 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં કુલ 1,14,970 ઉમેદવારો નોંધાયા હતા. ગતરોજ એટલે કે, રવિવારે આ પરીક્ષા સુરત, અમદાવાદ અને રાજકોટમાં યોજાઈ હતી, જે પૈકી 39 હજાર ઉમેદવારો ગેરહાજર રહેતાં 66.09 ટકા એટલે કે 75963 ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

ઉમેદવારોમાં જોવા મળ્યો ઉત્સાહ

સુરત કેન્દ્ર પર સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતમાં કુલ નોંધાયેલા 76,138 ઉમેદવારોમાંથી 54,817 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને 21,321 ગેરહાજર રહ્યા હતા. અમદાવાદ કેન્દ્ર ખાતે 29,563માંથી 16,132 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યારે 13,431 ગેરહાજર રહ્યા હતા. રાજકોટ કેન્દ્ર પર 9,269માંથી 5,014 ઉમેદવારો હાજર અને 4,255 ગેરહાજર નોંધાયા હતા.

ક્યારે આન્સર કી જાહેર કરાશે?

હવે બે દિવસમાં ઉમેદવારોની OMR સ્કેનિંગ થયા બાદ પાંચ દિવસમાં OMR અને આન્સર કી ઓનલાઈન જાહેર કરવાની કવાયત હાથ ધરાઈ છે. વધુમાં, 717 જગ્યાઓ સામે ક્વોલિફાય થયેલા 717 અને બાકીના વધારાના 20 ટકા ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાશે. પરીક્ષા બાદ હવે પરિણામ પણ મિટ માંડવામાં આવી છે.