Surat News: સણીયા હેમાદ ગામમાં રાત્રિના સમયે સૂઈ રહેલા 15 વર્ષીય કિશોર આયુષ અર્જુનભાઈ રાઠોડને સાપે ડંખ માર્યો હતો. સાપે ડંખ માર્યા બાદ તરત ન છોડતા કિશોરે હિંમત જાળવી રાખીને સાપને છોડાવ્યો અને બાજુના રૂમમાં સૂતેલા માતા-પિતાને જાણ કરી હતી. પરિવારજનોએ તાત્કાલિક તેને બારડોલી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આયુષના પિતા અર્જુનભાઈએ જણાવ્યું કે, બાળકો રાત્રે 11 વાગ્યે સૂઈ ગયા હતા અને સાડા બાર વાગ્યાની આસપાસ ઘરની અંદર સાપે આયુષને ડંખ માર્યો હતો. સાપે ડંખ માર્યા બાદ તરત છોડ્યો ન હતો અને લાંબા સમય સુધી પકડી રાખ્યો હતો. જોકે, આયુષે ગભરાયા વિના હિંમતપૂર્વક સાપને છોડાવ્યો હતો અને બૂમાબૂમ કરતા બાજુના રૂમમાં દોડી ગયો હતો.
આયુષની બૂમો સાંભળીને જાગી ગયેલા માતા-પિતાએ તેને તાત્કાલિક સારવાર માટે બારડોલી હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગઈકાલે વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ હાલ તેની સ્થિતિ નોર્મલ અને સ્થિર છે.
પરિવાર છેલ્લા 10-15 મહિનાથી આ વિસ્તારમાં દીવાલ અને આસપાસ તાડપત્રી બાંધીને રહે છે, જેમાંથી આ નાનો સાપ અંદર આવી ગયો હોવાની શક્યતા પિતાએ વ્યક્ત કરી છે. ડંખ માર્યા બાદ સાપ ઘરના અંદરના ભાગમાં જ નાસી ગયો હોવાથી અને હજુ સુધી પકડાયો ન હોવાથી પરિવાર દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે.
