Sagar Rabari resigns from AAP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતા જ આમ આદમી પાર્ટીમાંથી (AAP) સાગરભાઈ રબારીએ સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પાર્ટીમાં અત્યાર સુધી સાગરભાઈનો ખૂબ મહત્વનો રોલ રહ્યો છે, અને તેમણે પોતાના સામાજિક કાર્યોની જવાબદારી નિભાવવા માટે આ પગલું ભર્યું છે.
રાજીનામા પાછળનું કારણ: સામાજિક કાર્ય
મનોજ સોરઠીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સાગરભાઈ આમ આદમી પાર્ટીના સન્નિષ્ઠ સાથી રહ્યા છે, અને તેમણે અગાઉ જ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે રાજકીય રીતે તેમની જવાબદારીઓ ઓછી કરવામાં આવે અને થોડો સમય આપવામાં આવે. ચૂંટણી દરમિયાન પાર્ટીને કોઈ નુકસાન ન જાય તેનું ધ્યાન રાખીને તેમણે ચૂંટણી પૂર્ણ થયા બાદ આ નિર્ણય લીધો છે. જેથી તેઓ પોતાના સામાજિક, લેખન અને વાંચનના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
સાગરભાઈ પર ઘણી સામાજિક સંસ્થાઓની જવાબદારી રહેલી છે. અને તેઓ ઘણા પુસ્તકો પણ લખવા માંગે છે, જેને તેઓ રાજનીતિમાં સક્રિય હોવાના કારણે પૂરતો સમય આપી શકતા ન હતા. આથી સામાજિક કાર્યને યોગ્ય ન્યાય આપવા માટે તેમણે આ જવાબદારીમાંથી મુક્ત થવાનો નિર્ણય લીધો છે.
અન્ય પક્ષમાં જોડાવાની અટકળો પર વિરામ
સાગર રબારી અન્ય કોઈ પક્ષમાં જોડાશે કે કેમ તે અંગે પ્રતિક્રિયા આપતા મનોજ સોરઠીયાએ સ્પષ્ટ કર્યું હતું કે, સાગરભાઈ કોઈ પોલિટિકલ માણસ નથી અને તેઓ રાજનીતિમાં ધારાસભ્ય કે મંત્રી બનવા માટે આવ્યા ન હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં એક નવો અને ત્રીજો રાજકીય વિકલ્પ ઉભો કરવાનો હતો, જેમાં તેઓ સંપૂર્ણપણે સફળ રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં દાદા-પૌત્રે સાથે કર્યું મતદાન: 'ફર્સ્ટ ટાઈમ વોટર' તરીકે ક્રિશ્ન પાટનીનું પરિવાર સાથે પ્રથમ મતદાન
આમ આદમી પાર્ટીના 5000 થી વધારે ઉમેદવાર ચૂંટણી લડતા હોય, તો તેની પાછળ સાગરભાઈનો બહુ મોટો ફાળો રહ્યો છે. એક મોટી પાર્ટી ઉભી કરવા બદલ તેઓ સંતોષ અનુભવે છે. અંતમાં મનોજ સોરઠીયાએ સાગરભાઈને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, તેઓ હંમેશા પાર્ટીના સાથી રહ્યા છે, અને ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે તેઓ આમ આદમી પાર્ટીની સાથે ઉભા રહી અને માર્ગદર્શન આપતા રહેશે.
