AI થી બનાવી નોટ, ચીનથી મંગાવ્યું સિક્યુરિટી થ્રેડ પેપર; પ્રદીપ 'ગુરુજી' નકલી નોટોના રેકેટમાં ચોંકાવનારા ખુલાસા

આ ગેંગ 500 રૂપિયાની અસલી નોટ સામે 500 ની ત્રણ નકલી નોટ આપતી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 20 Mar 2026 10:30 AM (IST)Updated: Fri, 20 Mar 2026 10:30 AM (IST)
pradeep-jotangia-fake-note-racket-ai-use-and-security-thread-paper-from-china
HIGHLIGHTS
  • પ્રદીપ 'ગુરુજી' નકલી નોટોના રેકેટમાં મોટા ખુલાસા
  • ગેંગે ચીનથી મંગાવ્યું હાઈલેવલ સિક્યુરિટી થ્રેડ પેપર
  • નકલી નોટ બનાવવામાં AI અને સોફ્ટવેરનો ઉપયોગ

Pradeep Jotangia counterfeit note racket: ગુજરાતમાં ચાલતા હાઈટેક નકલી નોટોના રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સુરતથી સંચાલિત આ રેકેટને ઝડપી પાડીને રૂ. 2.48 કરોડની નકલી રૂ. 500 ની નોટો સાથે એક મહિલા સહિત કુલ 7 આરોપીની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ અને ચાઈના કનેક્શન સામે આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

ચાઈના કનેક્શન અને સિક્યુરિટી થ્રેડ પેપર 

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ ગેંગ સીધા ચીનના સપ્લાયર્સ સાથે સંપર્કમાં હતી. આરોપીઓએ નકલી નોટ છાપવા માટે ખાસ ચાઇનાથી 1 હજાર કિલો હાઈલેવલ સિક્યુરિટી થ્રેડ પેપર મંગાવ્યું હતું. જોકે, RBI પ્રિન્ટીંગ પ્રેસમાં છપાતી ભારતીય ચલણી નોટનું સિક્યુરિટી થ્રેડ પેપર ગેંગ પાસે કેવી રીતે પહોંચ્યું, અથવા 99.99 ટકા સમાનતા ધરાવતું પેપર કેવી રીતે તૈયાર કયું તે સૌથી મોટો પ્રશ્ન છે.

AI ટૂલ્સ અને આધુનિક સોફટવેરનો ઉપયોગ

આ ગેંગ નકલી નોટો બનાવવા માટે ChatGPT જેવા AI ટૂલ્સ અને ગ્રાફિક ડિઝાઇન સોફટવેરનો ઉપયોગ કરતી હતી. આરોપી A4 પેપર પર એકસાથે ત્રણ નોટ પ્રિન્ટ કરતા હતા. આ નકલી નોટોમાં કલર કંટ્રોલ અને માઇક્રો ડિટેઈલ્સ એટલી ઝીણવટભરી હતી કે સામાન્ય માણસ માટે તેને અસલી નોટથી અલગ પાડવી લગભગ અશક્ય હતી. જોકે, આ ચલણી નોટ મહદઅંશે મશીનમાં પકડાતી હોવાનું ખુલ્લું છે.

અસલી 500 રૂપિયા સામે નકલી 1500 રૂપિયા

આ ગેંગ બજારમાં નકલી નોટો ઘુસાડવા માટે એક ખાસ સ્કીમ ચલાવતી હતી. તેઓ ગ્રાહકો પાસેથી 500 રૂપિયાની એક અસલી નોટ લઈને તેની સામે રૂ. 500 ની ત્રણ નકલી નોટ એટલે કે 1500 રૂપિયા આપતા હતા. નેટવર્ક ફેલાવવા માટે એજન્ટોને 20થી 25 ટકા જેટલું કમિશન પણ આપતા. અગાઉ તેઓ 15 લાખ રૂપિયા બજારમાં સફળતાપૂર્વક ફરતા કરી ચૂક્યા હતા.

આશ્રમની આડમાં ખેલ, મુખ્ય સૂત્રધાર પ્રદીપ ગુરુજી

આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે કામરેજના પારડી ગામમાં આવેલ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમના યોગગુરુ પ્રદીપ જોટાંગીયાની ધરપકડ કરવામાં આવી છે. પ્રદીપ ગુરુજી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને આશ્રમની આડમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવતા અને તેમના આશ્રમમાં પણ પ્રિન્ટીંગ થતું હતું. ભૂતકાળમાં રાજકોટમાં પણ લોકોનું ફૂલેકું ફેરવી ચૂકેલા આ યોગગુરુનો અનેક નેતાઓ સાથેનો સંપર્ક અને ફોટા પણ સામે આવ્યો છે.

આતંકી કનેક્શનની આશંકા, NIA ની એન્ટ્રી થશે?

આટલા મોટા પાયે ચીનથી સિક્યુરિટી થ્રેડ પેપર કેવી રીતે આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે સેન્ટ્રલ એજન્સીઓને જાણ કરી દીધી છે. હાઈ સિક્યોરિટી થ્રેડ પેપર સાથે જોડાયેલા આ રેકેટમાં આતંકવાદી કનેક્શન છે કે કેમ, તેની તપાસ માટે ગમે તે ઘડીએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ટીમ તપાસમાં જોડાઈ શકે છે.

શું છે સમગ્ર મામલો?

આપને જણાવી દઈએ કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમરાઈવાડીમાં એક શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને રોકવામાં આવી હતી, જેના પર 'આયુષ મંત્રાલય' ની પ્લેટ લાગેલી હતી. આ કારમાંથી 2.19 કરોડની કિંમતના રૂ. 500 ની નકલી નોટોના બંડલ મળી આવ્યા હતા. આરોપીઓની પૂછપરછ બાદ સુરતના વરાછા, સરથાણા અને કામરેજ ખાતે દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી પ્રિન્ટિંગ પ્રેસ અને વધુ 29 લાખની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે.