નકલી ચલણી નોટોની હેરાફેરીનો પર્દાફાશઃ 2 કરોડથી વધુની ફેક કરન્સી સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીની કરી ધરપકડ

જપ્ત કરાયેલી આ કારમાં નકલી નોટોની સુરતથી અમદાવાદ હેરફેરી કરવામાં આવી રહી હતી. આ કાર પણ એ જ ફાઉન્ડેશનની હોવાનું હાલ પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 19 Mar 2026 12:09 PM (IST)Updated: Thu, 19 Mar 2026 04:48 PM (IST)
ahmedabad-crime-branch-busts-fake-currency-racket-6-arrested-with-rs-2-crore

Ahmedabad Crime Branch: રાજ્યમાં નકલી નોટો ઘૂસાડવાના કાવતરાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રૂ. 2 કરોડથી વધુની નકલી નોટો ઝડપી પાડી છે. એક ફોર્ચ્યુનર કારમાં નકલી નોટોની હેરાફેરી કરવામાં આવી રહી હતી. સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજી સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધાર હોવાનું જણાઈ રહ્યું છે.

રૂ. 500ના દરની કુલ રૂ. 2 કરોડથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઇ

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મોટી માત્રામાં નકલી નોટો અમદાવાદમાં ઠાલવવામાં આવી રહી છે. જેના પગલે અમરાઇવાડી વિસ્તારમાં વોચ ગોઠવીને રાખી હતી. જે દરમિયાન સુરતના એક ફાઉન્ડેશનની કાર શંકાસ્પદ જણાઇ હતી. જેની ચકાસણી કરતા કારમાંથી રૂ. 500ના દરની કુલ રૂ. 2 કરોડથી વધુની નકલી નોટો મળી આવી હતી.

અમદાવાદ આપવા આવ્યા હતા અને ઝડપાઇ ગયા

પ્રાથમિક વિગત અનુસાર, નકલી નોટોનો જથ્થો અમદાવાદ આપવા આવ્યા હતા અને ઝડપાઇ ગયા હતા. એક ફોર્ચ્યુનર કારમાં નકલી નોટોની સુરતથી અમદાવાદ હેરફેરી કરવામાં આવી રહી હતી. આ નકલી નોટોની હેરાફેરી સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડી દ્વારા કરવામાં આવતી હતી. આ ગાડી પર 'ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા' અને 'આયુષ મંત્રાલય'ના નામનો ઉપયોગ થતો હતો, જેથી કોઇને શંકા ન થાય.

ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં એકસાથે કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડ રૂપિયા અને સુરતમાંથી 80 લાખ રૂપિયાની બનાવટી નોટો કબ્જે કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં કુલ રૂ. 2.90 કરોડની નકલી ચલણી નોટો ઝડપી પાડવામાં આવી હતી.

સુરતથી ચાલતું હતું નકલી નોટોનું નેટવર્ક

નકલી નોટો છાપવાનું મુખ્ય સ્થળ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલું શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનનું આશ્રમ હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ આશ્રમ પર છાપો મારી અનેક દસ્તાવેજો તેમજ નકલી ચલણી નોટો છાપવામાં ઉપયોગમાં લેવાતા પ્રિન્ટર સહિતના આધુનિક સાધનો કબ્જે કર્યા હતા.

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના રો હાઉસના મકાન નંબર 77માં પણ અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અહીંથી યોગગુરૂ પ્રદીપ સાથે સંકળાયેલા મુકેશ પટેલ નામના વ્યક્તિના ઘરેથી મોટી માત્રામાં નકલી ચલણ અને પ્રિન્ટર સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે મુકેશ પટેલની અટકાયત કરી આ નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

આ રેકેટનો મુખ્ય સૂત્રધાર પ્રદીપ જોટાંગીયા ઉર્ફે પ્રદીપ ગુરુજી અગાઉ રાજકોટમાં 'સત્યમ યોગ & હેલ્થ સેન્ટર'ના નામે યોગ ક્લાસ ચલાવતો હતો. હાલ તેનો નાનો ભાઈ અમિત જોટાંગીયા આ ક્લાસ ચલાવે છે. કોરોના મહામારી પહેલા પાંચ વર્ષથી પ્રદીપ ગુરુજી સુરતમાં રહેવા માટે સ્થળાંતર થયો હતો. રાજકોટમાં પણ તેણે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

આ પ્રકરણમાં રાજકોટ શહેર પોલીસ પણ કિડવાઈનગર સ્થિત પ્રદીપ ગુરુજીના 'સત્યમ' નામના મકાન પર પહોંચી હતી. ત્યાં પ્રદીપના મોટાભાઈ અમિત જોટાંગિયાની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં બંને ભાઈઓના સંબંધો, છેલ્લી વાતચીત અને કોઈ દસ્તાવેજો કે ચલણી નોટો રાખવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ કરાઈ હતી. કારમાં રહેલા દસ્તાવેજો અને પાકીટ સહિતની ચીજવસ્તુઓ પણ તપાસવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ PSI વી.જી. ડોડીયાએ જણાવ્યું હતું કે, ઘર તેમજ કારમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી અને પ્રદીપ ગુરુજી બે મહિના પૂર્વે રાજકોટ સ્થિત ઘરે આવ્યો હતો.