Surat: તુષાર ઘેલાણીને કથિત રીતે મરવા મજબૂર કરનાર 'મહિલામિત્ર' પૂનમની ધરપકડ, સ્કૂલમાં 50 ટકા ભાગીદારી- 1 કરોડની બે દુકાન પણ નામે કરી

પૂનમ ભાદોરિયા નામની મહિલા સામે તુષાર ઘેલાણીને બ્લેકમેલ કરતી હોવાના મૃતકના પરિવારે આક્ષેપ કર્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 22 Feb 2026 09:14 AM (IST)Updated: Sun, 22 Feb 2026 09:14 AM (IST)
poonam-bhadoria-arrested-for-abetting-tushar-ghelani-suicide-case
HIGHLIGHTS
  • તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો
  • પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યા દુષ્પેરણનો ગુનો
  • પૂનમ સાથે અનૈતિક સંબંધ હોવાનું સ્વીકાર્યું હતું

Tushar Ghelani suicide case: બહુચર્ચિત તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં હાલમાં જ એક મોટો ખુલાસો થયો છે. મૃતક તુષાર ઘેલાણીના પરિવારે પૂનમ ભાદોરિયા નામની એક મહિલા સામે તુષાર ઘેલાણીને બ્લેકમેલ કરતી હોવાના આક્ષેપ સાથે પોલીસ અરજી કરી છે. આ અરજીના આધારે ઉમરા પોલીસે પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યા દુષ્પેરણનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી અગમ્ય કારણોસર પોતાના લમણે ગોળી મારી હતી. જે બાદ સારવાર દરમિયાન તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે તેમની પુત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પિતા તુષાર ઘેલાણી જ્યારે ઉદાસ રહેતા ત્યારે કારણ જાણવાનો પ્રયાસ કરતા તેમણે એક વાત જણાવી હતી, અને આ કારણથી તેમણે સતત તણાવમાં રહેતા હતા.

અનૈતિક સંબંધ વિશે પુત્રીને જણાવ્યું હતું

તુષાર ઘેલાણીએ પુત્રીને જણાવ્યું હતું કે, પૂનમ ભદોરીયા નામની મહિલા સાથે પંદરેક વર્ષથી અનૈતિક સંબંધ છે. આ અનૈતિક સંબંધના કારણે પૂનમ ભાદોરીયા તેમને ખૂબ હેરાન પરેશાન કરતી અને આર્થિક-માનસિક શોષણ કરે છે. હું તેનાથી કંટાળી ગયો છું અને છુટકારો લેવા માંગુ છું. પણ તે મને છોડતી નથી. આ વાતની તારી મમ્મીને જાણ થશે તો તે ખૂબ દુઃખી થશે. હું નથી ચાહતો કે , મારી ભૂલના લીધે મારા પરિવારના સભ્યો હેરાન થાય અથવા દુઃખી થાય.

સ્કૂલમાં ભાગીદારી- બે દુકાન પણ નામે કરી

તુષાર ઘેલાણીએ પુત્રીને વધુમાં જણાવ્યું હતું કે, વેસુ ખાતે આવેલી એક સ્કૂલમાં નાણાં રોક્યા હતા. જોકે, પૂનમ ભાદોરીયાએ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી આ સ્કૂલમાં 50 ટકાની ભાગીદારીનો કરાર કરાવી લીધો હતો. આ ઉપરાંત જોલી આર્કેડની બે દુકાનો તુષાર ઘેલાણીના નામ હતી. તેે બંને દુકાન પણ પૂનમ ભાદોરીયાએ પડાવી લીધી અને બંને દુકાનના કુલ 1.07 કરોડ અવેજ પેટેના દસ્તાવેજમાં દર્શાવેલ છે, તે આજ સુધી આપ્યા નથી.

સમજાવવા ગયેલી પુત્રીને આપી ધમકી

તુષાર ઘેલાણીએ પુત્રીએ ફરિયાદમાં જણાવ્યું કે, પૂનમ મારા પિતાને વારંવાર ફોન કરી હેરાન કરતી હોવાથી જુલાઈ, 2025 માં હું અને મારી નાની બહેન તેના ઘરે ગયા હતા. અમે રૂબરૂ મળીને મારા પિતાને હેરાન નહીં કરવા સમજાવતા તે મારા પર ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે, તું તારા પિતાને ક્યાં સારુ રાખે છે. તુષાર મારો જ છે અને તેને મારો કરી લેવાનો છે. તે મારું કહ્યું નહીં માને તો તેને પૂરો કરી નાખવાનો છે. તારા પિતાને કહી દેજે જો મને મિલકતમાં ભાગ નહીં આપે તો હું તેનું જીવવાનું હરામ કરી દઈશ.

લગ્નમાં આવીને ભવાડો કરવાની ધમકી  

તુષાર ઘેલાણીએ પુત્રીએ ફરિયાદમાં જણાવ્યું કે, મારા લગ્ન પહેલા 31 જાન્યુઆરીએ સાંજના સમયે મારા પિતાના મોબાઈલ પર પૂનમનો ફોન આવ્યો હતો. ફોન પર વાત કર્યા બાદ પિતા દુઃખી થઈ ગયા હતા. મેં પૂછતા તેમણે જણાવ્યું કે, પૂનમ તારા લગ્નમાં આવીને ભવાડો કરીને મને સમાજમાં બદનામ કરવાની ધમકી આપે છે. વારંવાર ફોન કરી મિલકત તથા નાણાં બાબતે અલગ અલગ માંગણી કરી મને હેરાન કરી દીધો છે. 

પૂનમ સામે આત્મહત્યા દુષ્પેરણનો ગુનો

તુષાર ઘેલાણીના પરિવારનો આક્ષેપ છે કે પૂનમ ભાદોરિયા તુષાર ઘેલાણીને માનસિક ટોર્ચર કરતી હતી. વધુમાં, બદનામ કરવાની અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ધમકી આપીને સતત દબાણ બનાવી રાખતી હતી. સમગ્ર મામલે પૂનમ ભાદોરિયાની સંડોવણી જણાતાં આખરે પોલીસે તેના વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તુષારભાઈની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ હતી

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, તુષાર ઘેલાણી અને પૂનમ ભાદોરિયાના સંબંધોની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. ત્યારે પૂનમબેન તુષાર ઘેલાણીની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતા હતા. જોકે થોડા સમય બાદ તેઓ છૂટા પડ્યાં, પરંતુ વર્ષ 2012-13 માં ફરી એકવાર સંપર્કમાં આવ્યા હતા. આ પુનઃમિલન બાદ તેમણે વ્યવસાયિક ભાગીદારી શરૂ કરી હતી.