Surat: પતિના અન્ય સ્ત્રી સાથે આડાસબંધ મુદ્દે માથાકૂટ થતાં પત્નીનો આપઘાત, તાપીમાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી

પતિના અન્ય સ્ત્રી સાથે સબંધના પગલે માથાકૂટ થતાં કુસુમ સાથે મારઝૂડ કરી હતી. જેથી કુસુમ ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગઈ હતી. જેના 3 દિવસ બાદ તાપી નદીમાંથી લાશ મળી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Feb 2026 09:36 PM (IST)Updated: Sat, 21 Feb 2026 09:55 PM (IST)
extramarital-affair-allegation-leads-to-married-womans-suicide-in-surat
HIGHLIGHTS
  • મૃતકના ભાઈની ફરિયાદના આધારે બનેવી વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

Surat: શહેરના અમરોલી છપરાભાટા વિસ્તારમાં રહેતી પરિણીતા ઘરેથી ગુમ થયાં બાદ ત્રીજા દિવસે નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે તેના પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. જેમાં પતિના અન્ય મહિલા સાથે આડા સબંધ હોવાથી દંપતી વચ્ચે ઝઘડો થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના વતની જોગેન્દ્રકુમાર યાદવના આજથી દોઢ વર્ષ અગાઉ કુસુમ નામની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ દંપતી સુરતના અમરેલી સ્થિત છપરાભાઠા વિસ્તારમાં રહેતું હતુ.

ગત 16 ફેબ્રુઆરીએ કુસુમ કોઈને જાણ કર્યાં વિના ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારજનોએ ભારે શોધખોળ કરવા છતાં કુસુમનો કોઈ પત્તો ના લાગતા આખરે કતારગામ પોલીસ મથકમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવામાં આવી હતી. એવામાં આજથી બે દિવસ પહેલા 19 ફેબ્રુઆરીના રોજ અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનની પાછળ આવેલ તાપી નદીમાંથી કુસુમનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ મામલે મૃતક કુસુમના ભાઈએ અશ્વિનીકુમાર પોલીસ મથકમાં પોતાના બનેવી જોગેન્દ્રકુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ, બનેવીના અન્ય મહિલા સાથે આડાસબંધ હોવાથી તે કુસુમ સાથે અવારનવાર ઝઘડા કરીને મારઝૂડ કરતો હતો.

16 ફેબ્રુઆરીએ પણ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો, જેના પગલે કુસુમ ઘરેથી નીકળી ગઈ હતી અને તાપી નદીમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. હાલ તો આ મામલે પોલીસે કુસુમના પતિ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.