PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં 'નમો જન સેવા કલ્યાણ સમિતિ' દ્વારા જરૂરિયાતમંદો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રીનલેબ ડાયમંડના ઓનર મુકેશ પટેલે જણાવ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે જન કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સ્કૂલ્સમાં અભ્યાસ કરતા 1500 જેટલા વિદ્યાર્થીઓને કુલ રૂ.10 કરોડની શિક્ષણ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત 500 ગંગાસ્વરૂપ મહિલાઓને પણ વિવિધ સ્વરૂપે સહાય પૂરી પાડવામાં આવશે.
સમાજ અગ્રણી દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓના પરિવારમાં આવકનો નિયમિત સ્ત્રોત નથી, માતા વિધવા છે અથવા વિદ્યાર્થીઓ તેજસ્વી છે, તેમને શિક્ષણ ચાલુ રાખવામાં આર્થિક મુશ્કેલી ન પડે તે હેતુથી સહાય આપવામાં આવશે.
1500 વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી કુલ સહાય રૂા.10 કરોડ છે. 500 ગંગાસ્વરૂપ મહિલાઓને પણ દરેકને રૂા.50 હજાર સુધીની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં એક વર્ષની તબીબી સેવા માટે રૂા.12 હજાર, અન્ય સહાય માટે રૂા.14,400 તથા રૂા.20 હજારની અનાજ સહાય કીટનો સમાવેશ થાય છે.
200 લોકોના આંખના ઓપરેશન નિઃશુલ્ક કરાશે
સેવાકીય અભિયાન અંતર્ગત સ્વામી વિવેકાનંદ આરોગ્ય મંદિરના સહયોગથી 200 લોકોના આંખના ઓપરેશન પણ વિના મૂલ્યે કરવામાં આવશે. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકો માટે આરોગ્યલક્ષી સેવાઓ અને કેન્સર નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ત્રીજા-ચોથા સ્ટેજના આર્થિક રીતે નબળા કેન્સર દર્દીઓને નિઃશુલ્ક સેવા
કેન્સરના ત્રીજા અને ચોથા સ્ટેજના એવા દર્દીઓ, જેઓ આર્થિક રીતે નબળા પરિવારના છે, તેમની સારસંભાળ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા દર્દીઓને નમો સંવેદના કેર સેન્ટર ખાતે દવા, ભોજન અને રહેવાની સુવિધા સહિતની સેવા નિઃશુલ્ક આપવામાં આવશે.
આ કેર સેન્ટરમાં કુલ 25 બેડની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત વયોવૃદ્ધ નાગરિકો માટે દૈનિક ટિફિન સેવા તથા જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન સહાય પણ આપવામાં આવશે. મોટા વરાછા ખાતે આવેલા આશાદીપ પેલિયેટિવ કેર સેન્ટર મારફતે કેન્સર દર્દીઓ માટેની સેવાકીય કામગીરી પણ આ અભિયાન સાથે જોડવામાં આવી છે.
મુખ્ય કાર્યક્રમ તા.17 સપ્ટેમ્બરે સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન રામચોક, મોટાવરાછા સ્થિત કિરણ હોસ્પિટલ-2 ગ્રાઉન્ડ ખાતે યોજાશે. કાર્યક્રમમાં આરોગ્યલક્ષી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ ડાયમંડ હોસ્પિટલ દ્વારા OPD તથા ડિલિવરી સેવા નિઃશુલ્ક આપવામાં આવશે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કથાકાર રમેશભાઈ ઓઝા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા, વલ્લભ લખાણી અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝાડફિયા ઉપસ્થિત રહેશે.
આ સેવાકીય કાર્યક્રમ માટે ગ્રીન લેબ ડાયમંડ, આશાદીપ સ્કૂલ, જે. એકલેરા, રાજહંસ ગ્રુપ અને એસએચજી ગ્રુપ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને શિક્ષણ, આરોગ્ય અને જીવનજરૂરિયાતની સહાય જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
