PM Modi Birthday: વડાપ્રધાનના જન્મદિને ગૃહમંત્રીના ગુજરાતમાં કાર્યક્રમો, શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી અને સવા લાખ દીવડાથી ઝગમગશે કાંકરિયા લેકફ્રન્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. તેઓ વડનગરમાં મહાઆરતી અને અમદાવાદમાં કાંકરિયા લેકફ્રન્ટ પર સવા લાખ દીવડા પ્રગટાવવા સહિતના કાર્યક્રમોમાં ભાગ લેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 16 Sep 2026 10:31 PM (IST)Updated: Wed, 16 Sep 2026 10:31 PM (IST)
pm-modi-birthday-amit-shah-to-visit-vadnagar-and-ahmedabad-for-special-events

PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ લોકઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ વિશેષ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણા ઉપરાંત અમદાવાદમાં અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે.

સવારે 'વડનગરથી વારાણસી' સેવા યાત્રાને લીલી ઝંડી આપશે

અમિત શાહ પોતાના પ્રવાસની શરૂઆત મહેસાણા જિલ્લાના વડનગરથી કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન એવા વડનગરના શર્મિષ્ઠા તળાવે મહાઆરતી કરશે. જે બાદ શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા યોજવામાં આવશે.

અહીં અમિત શાહ 'વડનગરથી વારાણસી' સેવા યાત્રાનું પ્રસ્થાન કરાવશે. જેમાં યાત્રામાં ભાગ લેનારા બાઈકર્સ શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ વારાણસી સુધી લઈ જશે. વડનગરના કાર્યક્રમ બાદ કેન્દ્રિય ગૃહમંત્રી અમદાવાદ જવા રવાના થશે, જ્યાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે 'આશીર્વાદનો દીવો' કાર્યક્રમ

સાંજે સવા 5 વાગ્યાની આસપાસ અમિત શાહ અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથના મંદિરમાં મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. અહીં મંદિરમાં દર્શનને પૂજનનો કાર્યક્રમ સંપન્ન થયા બાદ કેન્દ્રિય ગૃહમંત્રી કાંકરિયા જશે.

સાંજે પોણા 6 વાગ્યાની આસપાસ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે 'આશીર્વાદનો દીવો' નામે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. PM મોદીના જન્મદિન નિમિત્તે કાંકરિયા તળાવ પરિસર ખાતે 'આશીર્વાદનો દીવો' નામે દીપ પ્રાગટ્યનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કાંકરિયા લેક ફ્રન્ટ લગભગ સવા લાખ દીવડાઓથી ઝગમગી ઉઠશે.