Surat: છેલ્લા કેટલાક સમયથી સમાજમાં વ્યાપી ગયેલા કુરિવાજોને નાબુદ કરવા માટે ગુજરાતમાં ઠાકોર અને રબારી સહિત એક પછી એક સમાજના આગેવાનો દ્વારા સામાજિક બંધારણ ઘડવામાં આવી રહ્યું છે. એવામાં હવે પાટીદાર સમાજ દ્વારા પણ સામાજિક બંધારણ ઘડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પદ્મશ્રી મથુર સવાણી દ્વારા ગુજરાતભરના પાટીદારોને હાકલ કરવામાં આવી હતી
હકીકતમાં કિરણ હોસ્પિટલના ચેરમેન અને પદ્મશ્રી મથુર સવાણી દ્વારા પાટીદાર સમાજના બંધારણ બનાવવાની આવશ્યક્તા પર ભાર મૂક્યો હતો. આ સાથે જ તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામાજિક બંધારણને સમર્થન આપતા હોય તેમના માટે એક લિન્ક પણ મૂકી હતી. જેને ગુજરાતભરમાંથી વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો છે.
આ અંગે વિગતો આપતા પદ્મશ્રી મથુર સવાણીએ જણાવ્યું કે, ગુજરાતભરમાંથી પાટીદારોએ બંધારણ માટે પોતાનું સમર્થન આપ્યું છે. એક હજારથી વધુ સંગઠનોએ મને પત્ર લખ્યો છે. મારા આ જનજાગૃતિ અભિયાનને લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.
બંધારણ બનાવી પાટીદાર સમાજમાં એક નવી ક્રાંતિ લાવીએ
જેને લઈને મથુર સવાણીએ લોકોનો આભાર વ્યક્ત કરતો પત્ર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામમાં મૂક્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે, લાખો લોકોના બંધારણ બાબતે અભિપ્રાયો આવ્યા પછી, તેમની લાગણી પત્રના માધ્યમથી રાજ્યના એક હજારથી વધારે પાટીદાર સમાજ-સંગઠનના આગેવાનો સુધી પહોંચાડી.
રીતિ-રિવાજ કંટ્રોલ કરવા માટે બંધારણ બનાવવાની સમાજના લોકોની જાગેલી લાગણીને જન-આંદોલન બનાવવા માટે દરેક જાગૃત નાગરિક ભાઈ-બહેનોનું કર્તવ્ય બને છે કે, બંધારણ બાબતે લોકો સાથે ચર્ચા કરો. 25 -50 લોકો ભેગા મળી નજીકના સમાજ સંગઠનના આગેવાનોને રજૂઆત કરો.
રાજ્યના દરેક વિસ્તારમાં દરેક પાટીદાર સંગઠનો બંધારણ બાબતે કાર્યરત થાય, અને આપણે સૌ સાથે મળીને કુરિવાજો ને દેશવટો આપીએ, બંધારણ બનાવી પાટીદાર સમાજમાં એક નવી ક્રાંતિ લાવીએ.
સમાજ એક નિયમના તાંતણે બંધાય તે માટે બંધારણ જરૂરી
અગાઉ સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડીમાં આયોજિત એક કાર્યક્રમમાં પણ પાટીદારના અગ્રણીઓએ ખર્ચાળ રીતિ-રિવાજમાં બાંધછોડ કરી સમાજ એક નિયમના તાંતણે બંધાય તે માટે લેખિત સ્વરૂપમાં સામાજિક બંધારણ હોવા પર ભાર મૂક્યો હતો.
